આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
બીરબલ વિનોદ.


દોડતો દોડતો ઘેર ગયો અને બનેલી હકીકત શેઠાણીને કહી સંભળાવી. પરંતુ, શેઠાણીએ સ્હેજ પણ દિલગીરી ન દર્શાવતાં ગુસ્સામાં કહ્યું “ભલે, ચઢવા દે, જેવું કરે તેવું પામે, એમાં હું શું કરવાની હતી ?!!”

શેઠાણીના આવા કઠોર શબ્દો સાંભળી નોકરે તુરત આવી શેઠને બધી વાત કહી સંભળાવી. શેઠે ચાકરને કહ્યું “હવે તું રંભાને ત્યાં જઈ કહે કે, શેઠ હમણાં આવે છે.” ચાકરે જઈને રંભાને તે પ્રમાણે કહ્યું, એટલે તે તરતજ ઉઠી અને ઝરોખામાં આવી શેઠના આગમનની વાટ જોતી ઉભી રહી.

શેઠે ધીરજથી કોતવાલને કહ્યું “લગાર રંભાના ઘર આગળ થઈને મ્હને લઈ જાવ. તો તમારો મોટો ઉપકાર થશે,” કોતવાલનો એ વખતે મીઝાજ કાંઈ ઠેકાણે હોવાથી, તેણે તે વાત માન્ય રાખી અને રંભાના મકાન તરફ ચલાવ્યું. ઝરોખામાં રાહ જોતી ઉભેલી રંભાએ જ્યારે શેઠને આવી દશામાં જોયા એટલે તેનું હૈયું ભરાઈ આવ્યું. તેણે નીચે ઉતરી આવી કોતવાલને કાલાવાલા કરી કહ્યું “હું આપને બસો રૂપીયા પાન સોપારીના આપું છું, તે આપ લો. અને માત્ર બે ઘડી સુધી શેઠને આ ઝાડની છાયા નીચે બેસવા દેવાની કૃપા કરશો, તો હું આપનો ઉપકાર માનીશ. હું અત્યારેજ રાજાજી હજુર જાઉં છું. જો એ અપરાધ માફ કરી, એમને મૂકી દેવાનો હુકમ કરશે તો ઠીક; નહીં તો પછી આ૫ ખુશીથી લઈ જજો.” પૈસો પાણીમાંએ ઘર બનાવે અને લક્ષ્મીને જોતાં મહા મુનીવરનું મન પણ ચંચળ થઈ જાય, એટલે પછી કોતવાલ જેવાના શા ભાર ?