આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
બીરબલ વિનોદ.

તાનસેન પોતે જ શું કહે છે ? હું હવેથી સખ્ત તાકીદ કરૂં છું કે, તમારે કોઈ પણ દિવસ બીરબલની વિરૂદ્ધતા કે અદેખાઈ કરવી નહીં.’

આ પ્રમાણેનું બાદશાહનું બોલવું સાંભળી અમીરખાન બોલી ઉઠ્યો “જહાંપનાહ ! ખરેખર, હવે અમને ખાત્રી થઈ ચુકી છે. જેને જે છાજતું હોય એજ એને આપવું, એ આપજ પારખી શકો એમ છે !!”

ત્યારબાદ બાદશાહે બીરબલને ઘણીજ શાબાશી આપી.

વાર્તા ૧૫૫.
ઢેડ પંચનો ન્યાય.

એક પ્રસંગે અકબર અને બીરબલ એકાંતમાં વાતો કરતા બેઠા હતા, ત્યાં વાતપરથી વાત નીકળતાં બીરબલે કહ્યું “હુઝૂર ! જો મ્હારો કાંઈ વાંક થઈ જાય તો, હું કહું તેની પાસે મ્હારો ન્યાય કરાવજો.” બાદશાહે કહ્યું “ભલે, જેવી તારી મરઝી !”

કેટલાક દિવસ પછી એવું બન્યું કે, બીરબલે કાંઈક જાણી જોઈને વાંક કર્યો અને બાદશાહે તેને દંડ કરવાનો વિચાર કર્યો. બીરબલ ચેતી ગયો કે ‘આજે દસ પંદર હઝાર રૂપીયાનું પાણી થશે’ એટલે તેણે હાથ જોડી અરઝ કરી હુઝૂર ! મ્હેં ગુનોહ કર્યો છે એ ખરૂં છે, પણ આ૫ મ્હને શિક્ષા ફરમાવી શકો એમ નથી; કેમકે જો આપને ઈન્સાફથી મ્હારો દંડ કરવોજ હોય તો આપેલા વચન પ્રમાણે હું કહું તેની પાસે મ્હારો ન્યાય કરાવવો જોઈયે.”