આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
આકાશને માર્ગે.

આ ચમત્કૃતિ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. રાજાએ તેને ઉત્તમ વસ્ત્રાલંકારો આપી મોટા માન સાથે કોટી કરી અને દયારામ શેઠને તે દિવસથી પોતાના દરબારમાં બેસવાની પરવાનગી બક્ષી તેને ઘેર બેઠાં પગાર આપવો ચાલુ કર્યો. રૂપવંતીને પણ શાબાશી આપી તેનોએ મુસારો બાંધી આપ્યો. દુષ્ટબુદ્ધિનું ઘરબાર જપ્ત કરી, તેને ગધેડા પર બેસાડી તેના નાક કાન કાપી લઈ શહેર બ્હાર કાઢી મૂકી. મદોન્મત્ત અમીચંદને તેના મુદ્દલ રૂપીયા ચુકવી દરબારમાંથી હાંકી કાઢ્યો અને દરબારી તરીકેનો પણ તેનો હક છીનવી લીધો. દયારામના પૈસા પણ રાજાએ પોતાના ખઝાનામાંથી આપવાનો હુકમ કર્યો. થોડાક દિવસ સુધી બીરબલને પોતાને ત્યાં મહેમાન રાખ્યો અને ત્યારબાદ અકબર બાદશાહ ઉપર પાંચ વસ્તુઓની પહોંચ લખી આપી તેને વિદાય કર્યો. બીરબલે દિલ્હી પહોંચી સર્વ બીના બાદશાહને કહી સંભળાવી જેથી બાદશાહ તેમજ અન્ય દરબારીયો બીરબલના અસીમ ચાતુર્ય માટે તેને અનેક ધન્યવાદ આપવા લાગ્યા.

વાર્તા ૧૫૭.
આકાશને માર્ગે.

બાદશાહી ગવૈયા લાડ અને કપુર ઉપર બાદશાહનો સારો પ્રેમ હતો. સૌ ગવૈયાઓ કરતાં તેમને બાદશાહ વારંવાર સારું ઈનામ આપતો. એક દિવસે તેમનાથી બાદશાહનો અપરાધ થઈ ગયો. બાદશાહે તેમને પૂછ્યું “તમે આ અપરાધ કેમ કર્યો ?”