આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
રજપૂતાણીનું પતિવૃત.


ગયો. મહેલ પાસે આવતાં તે ઘોડા ઉપરથી ઉતરવાની તૈયારી કરતો હતો, તેવામાં ઘોડાએ ખોંખાર કર્યો એટલે રાણી તરતજ મહેલના ઝરોખામાં આવી. તેણે પોતાના પતિના ઘોડાનો ખોંખાર ઓળખ્યો હતો, એટલે વિયોગ પીડિત રાણી કોઈ દિવસ નહી ને એજ દિવસે ઝરોખામાં દોડી આવી. અમરસિંહને રાણીના આ વર્તન ઉપરથી વિશેષ શંકા ઉત્પન્ન થઈ, તેથી તેણે ઘોડા પરથી નીચે ન ઉતરતાં રાણી તરફ જોઈ કહ્યું “વાહ, વાહ ! શાબાશ છે !!” આટલું કહી તેણે ઘોડાને પાછો ફેરવ્યો અને ગામમાં કોઈની સાથે વાત સરખીચે કરવા ઉભો ન રહેતાં સીધો દિલ્હી તરફ રવાના થયો.

રાણી આ બધો પ્રકાર જોઈ અત્યંત વિસ્મય પામી. તેણે પોતાની દાસીને કારભારી પાસે ખબર કાઢવા મોકલાવી, પણ કારભારીએ અમરસિંહને જોયોએ ન હતો, તે પાછી ફરી અને રાણીને જણાવ્યું “બા ! આ કાંઈ ગોટાળો થયેલો દેખાય છે. પેલા ફોઈબાનું તો કદાચ આ કાવત્રુ નહીં હોય ?!”

રાણીને પણ એ વાતમાં સત્યતા જણાવા લાગી. કદાચ રૂમાલ અને કટારે આ તોફાન ઉભું કર્યું હશે, એમ ધારી તેણીએ પાલખી તૈયાર કરાવી અને પોતાની દાસીયો અને થોડાક સ્વારોને લઇ આડે પરંતુ ટુંકે રસ્તે દિલ્હી તરફ જવા નીકળી. અમરસિંહ ક્રોધાવેશમાં રસ્તે ભૂલી આડે રસ્તે ચઢી ગયો એટલે રાણી તેના કરતાં એક દહાડો વહેલી દિલ્હી પહોંચી અને સીધી બીરબલને ઘેર ગઈ. બીરબલ સારે નસીબે ઘરમાં જ હતો. તેણે રાણીને ભારે