આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
પંડિતના પ્રશ્નો

વખતે હું લાચાર હતો. જો મ્હેં એવા સમાચાર સંભળાવ્યા હોત તો મ્હારું માથું ઉડી ન જાત!?”

હવેજ બાદશાહને પોતે આપેલી આજ્ઞા યાદ આવી અને તેણે બીરબલને તેની બુદ્ધિમત્તાથી પ્રસન્ન થઈ ભારે ઈનામ આપ્યું.

વાર્ત ૧૬૧.
પંડિતના પ્રશ્નો

એક દિવસે બાગમાં દરબાર ભરાયો હતો, ગાનતાન ચાલી રહ્યુ હતું. તે વખતે એક પરદેશી પંડિત, જે કેટલાક દિવસથી દિલ્હીમાં આવ્યો હતો તે રજા મેળવીને દરબારમાં દાખલ થયો. થોડીવાર સુધી તેણે ત્યાં ચાલતા ગાનતાન અને ટોળટપ્પા સાંભળ્યા પછી બાદશાહને અરઝ કરી “હુઝૂર ! મ્હારે આપના દરઆરીયોને કેટલાક સવાલો પૂછવાની ઈચ્છા છે. જે આપ આજ્ઞા આપો તો પૂછું.”

બાદશાહે કહ્યું “ખુશીથી પૂછો. એમાં મ્હને કોઈ પણ રીતે વાંધો નથી.” પંડિતે હાથ જોડી કહ્યું “જહાંપનાહ ! આપના દરબારીયોમાંથી અકેક જણે જવાબ આપવો. એક પણ સવાલનો જવાબ આપી ન શકે તો તેણે બીજા સવાલનો જવાબ આપવો નહીં.”

બાદશાહે કહ્યું “હા ભલે, તમે જેમ કહો તેમ દરબારીયોએ જવાબ આપશે.”

પંડિતે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરતાં કહ્યું “માણસે યુવાનીમાં શું કરવું ?”