આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૫૪ મી.
-૦:૦-
ફુલમાં કયું ફુલ મ્હોટું ?
-૦:૦-

આનંદ કહે પરમાણંદા, માણસે માણસે ફેર,

એકતો લાખે ન મળે, એક તાંબીઆના તેર.

હજી દરબાર અમલદારોથી બરાબર ભરાઇ નથી એટલામાં શાહ આવી પોતાના આસનપર વીરાજમાન થયો, જેમ જેમ ઉમરાવો આવતા ગયા તેમે તેને પુછતો ગયો કે, 'ફુલમાં કયું ફુલ મ્હોટું?' 'દાંત કોના મ્હોટા? સર્વથી સરસ પુત્ર કોનો? મ્હોટામાં મ્હોટો રાજા કયો ? ગુણમાં મ્હોટો ગુણ કયો? આ પાંચ સવાલોનો જવાબ જેમ જેના મનમાં આવ્યો તેમ તેઓ આપી પોતાની જગ્યા પર બેસતા હતા પણ તેઓના જવાબ શાહને સંતોષકારક ન લાગવાથી શાહ બહુ ઉંડા વિચારમાં ઉતરી જઇને મ્હોટેથી કહ્યું કે, 'મારા સવાલનો જવાબ આપી શકે એવો કોઇ પણ અમલદાર બુદ્ધિમાન નથી એ જોઇ મને મહા ખેદ થાય છે. જો બીરબલ જેવો બુદ્ધિવાન અને તાનસેન જેવો ગવૈયો મારી દરબારમાં ન હોતતો મારા અદલ ન્યાયની અચળ કીરતી જગમાં કદી પણ પસરત નહીં.' આ પ્રમાણેના શાહના ઉદ્‍ગારો નીકળી રહ્યા છે, એટલામાં બીરબલ દરબારમાં દાખલ થયો. તે જોઇને શાહે તે પાંચે સવાલ બીરબલને પુછ્યા. તે સાંભળી બીરબલ કહેવા લાગ્યો કે, 'સરકાર ! મ્હોટામાં મ્હોટું ફુલ કપાસનું જેમાંથી રૂ પેદા થાય છે, તેમાંથી સુતર બને છે. અને સુતરમાંથી કાપડ બને છે, અને તે કાપડ લોકોના શરીરનું રક્ષણ કરે છે. દાંત દંતાળીના મ્હોટા કે જેનાથી અનાજનો સારો પાક થાય છે. પુત્ર ગાયનો મ્હોટો કે જે બળદ ખેતી ખેડી જગતને પોશે છે. મ્હોટામાં મ્હોટો રાજા મેઘ, જેની વૃષ્ટિવડે રાજા રંક, પશુ પક્ષી જીવે છે. જ્યારે મેઘની વૃષ્ટિ થતી નથી ત્યારે મહાન રાજાઓ અને પ્રબળ પ્રજા નિર્બળ બની જાય છે. માટે મેઘ મોટો ગણાય છે. ગુણમાં ગુણ મ્હોટો હીંમત જે વડે દુશ્મનને પણ વસ કરી શકે છે.' આ પાંચો જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો. પણ અમીર ઉમરાવો રાજી ન થતા તે જવાબો પ્રત્યે અભાવ જણાવી ઘણો મતભેદ બતાવ્યો. પણ તેના મતભેદથી રાહ છુટો પડી પાંચમાં જવાબની ખાત્રી કરવાની મરજી જણાવી.