આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલવું સાંભળી શાહે કહ્યું કે, 'શું રાઘુ મરણ પામ્યો ?' બીરબલે કહ્યું કે, 'આપ જોશો ત્યારેજ કહેશો કે આ કેવી તપશ્યા કરી રહ્યો છે ? હું તો એમ જાણું છું કે તેણે તપશ્યા આદરી છે અને આપ મરી ગયાનું કહો છો ! માટે તેને જોવાથી નિસ્સંદેહ થશો.' શાહને તેડી રાઘુના પાંજરા પાસે જઇ તપશ્યા કરતો બતાવ્યો તે જોઈ શાહ બોલ્યો કે, 'બીરબલ ! તારી મશ્કરી કરવાની ટેવ ગઇજ નહી ! રાઘુ તપશ્યા કરે છે એમ ન કહેતાં એમજ કહ્યું હોત કે રાઘુ મરી ગયો ! તો નાહક ધકો ખાવો પડત નહીં ? શું રાઘુ મરી ગયો એવી તને ખબર નહોતી ?' બીરબલે હાથ જોડીને ધીમેથી બોલ્યો કે, ' નેક નામદાર ! શું કરવું ? જો સરકાર અગાડી રાઘુ મરી ગયાના સમાચાર કહેત તો આપના હુકમ પ્રમાણે નોકરોનો શીરચ્છેદ થવાનો વખત આવત. માટે કાંઇ પણ ઉપાય શોધવો કે નહીં ?' તે સાંભળી શાહ રાઘુનો શોક ભુલી જઇ બીરબલની બુદ્ધીનો ખ્યાલ કરી બહુ ખુશી થયો અને તે બદલ ઇનામ આપી પોતે ગેરવ્યાજબી હુકમ કરેલો તે માટેનો પસ્તાવો કરવા લાગ્યો.

સાર - બુદ્ધિવાનો કેવી યુક્તીથી રાજાના બોલ રાજાના મ્હોંમાં પાછા આપે છે, માટે બુદ્ધીવાનનીજ બલીહારી છે, બુદ્ધિ વગરના માણસો જગતને ભાર રૂપ છે. કહ્યું છે કે, 'માણસ ગાતમેં એક બાબત કરામત હે.'


-૦-