આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસઠમી.
-૦:૦-
રામ રાખે તેને કોણ ચાખે ?
-૦:૦-

રાજા જોગી અગ્ની જળ, ઉનકી ઉલટી રીત;
ડરતા રહીઓ ફરસરામ થોડી પાળો પ્રીત.

એક સમે બીરબલ પોતાના ઘરના ઓટલા ઊપર જમીને બેઠો હતો તેવામાં એક બાદશાહનો હજુરી નોકર દોડતો દોડતો જતો હતો તે જોઇને બીરબલે તેને પુછ્યું કે, 'આટલો બધો દોડીને ક્યાં જવા માગે છે?' નોકરે કહ્યું કે, 'સરકારે મને બશેર કળી ચુનો લાવવા કહ્યું છે માટે તે લઇને જલદી જવું જોઇએ.' તે સાંભળી બીરબલ વીચારમાં પડ્યો કે, અત્યારે શાહને બશેર કળી ચુનાની શી જરૂર પડી હશે ? આમાં કાંઇક પણ ભેદ હોવો જોઇએ ? એમ માની નોકરને ફરી પુછ્યું કે ચુનો શું કરવા જોઇએ છે ? તે સાંભળી નોકરે કહ્યું કે, 'સાહેબ ! તેની ગરીબ નોકરને શું ખબર ? બાદશાહ સાહેબ જ્યારે જમીને ઉઠ્યા અને પાન બીડી આપી તે ખાધા પછી હુકમ કીધો કે જા, બસેર કળી ચુનો જલ્દી લઇ આવ. તેનું બોલવું સાંભળી બીરબલે નોકરને કહ્યું કે, 'આજે તારા સોએ વરસ પુરાં થઇ ગયાં ! એજ બશેર ચુનો જબરાઇથી તને ખવરાવી દેશે અને તેથી તું મરી જઇશ, જે તે પાન બીડું નામદારને આપ્યું તેમાં ચુનો વધારે પડ્યો હશે તેથી તેમના મુખમાં બળતરા ઊઠી છાલા પડેલા હોવાજ જોઇએ. તે બદલ આ શિક્ષા ઠરાવી છે, માટે તું એ ઉપાય કરકે એક શેર ચુનો અને એક શેર માખણ એકત્ર કરી બાદશાહ પાસે લઇ જા. અને તે ચુનો તને ખવરાવશે તો કાંઇ થશે નહીં.' બાદ તે નોકરે બીરબલ ના કહેવા પ્રમાણે કરી અને ચુનો લઇ શાહ હજુર ગયો. તરત શાહે તે ચુનો તેને ખવરાવ્યો. શાહને ખાત્રી જ હતી કે થોડી જ વારમાં આ નોકર મરી જશે. પરંતુ બીજે દીવસે તે નોકર તો વખતસર હાજર થયો તે જોઇ બાદશાહને ઘણી અજાયબી લાગી અને વીચાર કરવા લાગ્યો કે, 'મારો વીચાર નીષ્ફળ ગયો, મુઓ નહીં, એતો ઠીક, પણ તેને ઇજા પણ કશી થઇ જણાતી નથી. પરંતુ તેને ગમે તે પ્રકારે સ્વધામ પોંહોચાડી દેવો તો ખરોજ ?' એમ વીચારી ચુનાવાલાને બોલાવીને કહ્યું કે, 'સવારમાં પ્રથમ જે માણસ તારે ત્યાં આવે તેને ભઠીમાં નાંખી બાળી નાખજે.'