આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૂપીઆ આપી દેવા યોગ્ય છે.' આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી માજી સાહેબે ફરમાવ્યું કે " હજાર રૂપીઆ મારી પેટીમાં નથી પણ સો સોના મ્હોર પડેલી છે માટે તે તેને આપી દો.' એમ કહી પેટી ઉઘાડી સો અસરફીઓ ( સોના મહોરો ) શાહજાદાને આપી અને શાહજાદાએ ઝડપ તે પારધીને તે મહોરો આપી વિદાએ કર્યો.

સાર--બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા જેવો શાહ ઉદાર હતો, તેવોજ જહાંગીર હતો. જહાંગીરની માંગણી દાદીએ સ્વીકારવા ના પાડી, પણ અકબરે પોતાની માતાને સમજાવી કે ગરીબ પ્રજાની હમેશાં રાજકરતાઓએ દાદ સાંભળી તેને તન મન ધનથી રીઝવવી એ રાજ કરતાનો ધર્મ છે. અકબરનાં આ નીતીબોધ વચનો સાંભળી રાજમાતાએ તરત હજારને બદલે અઢારસોની મતા આપી પારધીને રીઝવ્યો. મ્હોટાઓનાં મન સદા મ્હોટાં હોય છે.


-૦-