આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા પંચોતેરમી
-૦:૦-


ચાર પહેલવાનોની માંગણી
-૦:૦-


એક દીવસે શાહ કચેરીમાં બેઠો હતો તે વખતે જુદા જુદા દેશનાં ચાર જતના ચાર પહેલવાનોએ આવી વીનંતી કરી કે 'અમારે તમારે ત્યાં નોકરી કરવા માટે આવ્યા છીએ.' આ ચાર પહેલવાનોની હકીકત સાંભળી શાહે બીરબલને કહ્યું કે, 'અહો બીરબલ ! આ આવેલા ચારોની એકમેક સાથે કુશ્તી કરાવી જે સરસ નીવડે તેને નોકરી રાખવાથી ત્રણેનું અપમાન કરેલું કહેવાય ? માટે તેમ ન કરતાં ચારમાંથી મજબુત બાંધાવાળો કોણ છે તેની પરીક્ષા કરીને કહો કે રાખવા લાયક કોણ છે ? શાહની આ યુક્તી જાણી બીરબલે તે ચારે પહેલવાનોને કહ્યું કે 'તમે સાંજના છ વાગે આલમ બાગમાં પહેલવાનોનો અખાડો છે ત્યાં આવજો. એટલું કહીને ચારે જણને જવાની રજા આપી. પછી બીરબલે સીપાઇને કહ્યું કે, 'અખાડાની જગામાં એક છેડાથી તે બીજા છેડા સુધી, અમે જોવા બેસીએ ત્યાં સુધીની પાથરેલી રેતીમાં કાચના ઝીણા ઝીણા કટકા જડાવજો.' બીરબલના કહેવા મુજબ સીપાઇએ કીધું. અને પાંચ વાગે બીરબલ જ‌ઇને અખાડાને પાછલે છેડે પાટ ઉપર ગાદી તકીઆ બીછાવીને બેઠા. પછી તે ચારે પહેલવાનો અખાડામાં આવ્યા. અખાડાની અંદર પાથરેલી રેતીમાં જેમ જેમ ચાલવા લાગ્યા તેમ તેમ કાચના ઝીણા કટકાઓ બાવળની શુળોની પેઠે પગમાં ખુંચવા લાગ્યા. તેથી તેમાંનો એક પહેલવાન તો બેજ પગલાં ભરીને પાછો વળ્યો. અને બીજો તેના કરતાં કાંઇક વધારે મજબુત હોવાથી તે ચારજ પગલાં ભરીને પાછો વળ્યો અને ત્રીજો છ પગલાં ભરીને પાછો ફર્યો, અને ચોથો જે સૌથી મજબુત બાંધાવાળો, હીંમતવાન હતો તે પોતાના પગમાં ગમે તેટલા કાચ વાગવા છતાં, પણ તેની પરવા ન રાખતાં ઉતાવળી ચાલે ચાલીને શાહ અને બીરબલ પાસે ઉભો. આ જોઇ બીરબલે તેને સાલ પાઘડી આપી. અને શાહને કહ્યું કે 'આ પહેલવાનને દરબારમાં રાખવા લાયક છે.' બીરબલના કહેવાથી શાહે તે પહેલવાનને પગાર કરી રાખ્યો. બીરબલની ચાલાકી જોઇ શાહ ઘણો ખુશી થયો.

સાર--બુદ્ધિશાળી પુરૂષો કેવી રીતે પરીક્ષા કરી નબળા સબળા માણસને પારખી કાઢે છે.


-૦-