આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ચોરાસીમી
-૦:૦-
મીઠી મસકરી
-૦:૦-
તુરત તરક શક્તિ વડે, રચે યુક્તિ અભિરામ
તે નર ચતુર શિરોમણી, ગણાય વર ગુણ ધામ

બીરબલ અપવિત્ર વસ્તુને હાથ આડાડતો નથી, એટલું જ નહીં પણ તે બધાની મસ્કરી કરી બધાને બનાવે છે માટે એને આજે બનાવવો એવા હેતુથી શાહે થોડાક મુરઘીના ઈંડા સાથે લઈ પોતે પોતાના શાહજાદાને અને બીરબલને યમુના નદીમાં નહાવા ગયા. શાહજાદો વજીરજાદો અને બીરબલ નદીમાં નહાવાને પડ્યા. આ બધો તમાસો શાહ નદીના ઘાટ ઉપર બેસી જોયા કરતો હતો. પ્રથમથી કરી રાખેલી ગોઠવણ મુજબ શાહજાદો અને વજીરજાદો યમુનામાં ડુબકી મારી કુકડીનું ઈંડુ લાવી શાહ પાસે મુકતા હતા. હવે જ્યારે બીરબલનો વારો આવીઓ ત્યારે બીરબલે મનમાં કહ્યું કે , 'આ તો કેવળ ધર્મ વિરૂદ્ધ છે.' તે કેમ બની શકે ? આની કાંઈ પણ બીજી યુક્તિ કરવી જ જોઈએ. આવો વીચાર કરી નદીમાં ડુબકી મારી કુકડાની ગરદનના આકારે પોતાના હાથની આકૃતી કરી બોલ્યો કે, 'કુકડુક' તે જોઈ શાહે પુછ્યું કે. 'બીરબલ ! એ શું?' બીરબલે હાથજોડી કહ્યું કે, 'હજુર ! કુકડા વગર મુરઘીઓ ઈંડા મુકી શકતી નથી? માટે આ મુરઘીઓના ટોળામાં હું કુકડોરાજ છું, માટે મુરઘો મુરધીઓ ઈંડા આપે છે તે જોઈ ખુશીમાં આવી કુકડુક બોલ્યો.' આવું મીઠી મસ્કરી વાળું બીરબલનું બોલવું સાંભળીને શાહ ખડખડ હસવા લાગો. આ જોઈ બંને શાહજાદાઓ બહુ શરમાઈ જઈને નીચું ઘાલી ઉભા. બીજાને બનાવવા જતાં બની ગયા. પણ મસ્કરી કરવી અને રીસ ચઢાવવી એ તે કેમ બને ? માટે કાંઈ પણ ન બોલતા પોત પોતાના ખેલમાં ગુંથાયા.

સાર - ધર્મને બાધ ન આવવા દેતા પોતાના ઉપરી અમલદારને કેમ ખુશ રાખવા, તે યુક્તી જાણનાર માણસ આ જગતમાં જશના કામ કરી શકે છે.

-૦-