આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા અઠાણુંમી
-૦:૦-
ભાટનો દીકરો જન્મથીજ ભાટ
-૦:૦-

થોડા દિવસ પહેલાં શાહ આગળ વાત થઈ હતી કે, ભાટનો દીકરો માતાના ગર્ભમાંજ શીખીને ભાટ થાય છે અને તે ઉપર ગંગ કવીએ સરત પણ કીધી હતી. તે પ્રમાણે ગંગની પુત્રી ગર્ભવતી હતી તેને શાહે પોતાના જનાનામાં રાખી હતી. થોડા દિવસ વીત્યા પછી ગંગની છોકરીને પાલખીમાં બેસાડીને તેને ઘેર મોકલી દીધી અને તેના છોકરાને ત્યાં રાખી તેની સારી રીતે બરદાસ્ત લેવા માંડી. એમ કરતાં તે છોકરો સાત વરસનો થયો. પણ શાહ આ વાત ભૂલીજ ગયો હતો.

એક સામે શાહ મહેલમાં બેઠો હતો તે વખતે બીરબલ, ગંગ વગેરે પાંચ સાત દરબારીઓ આવી ચઢ્યા. ગંગને જોઈ જરા ગમત કરવાના વીચારથી બીરબલે કહ્યું કે, ‘કેમ બારોટજી હવે પેલું પારખું ક્યારે બતાવો છો?’

ગંગ – ખુદાવીંદના હુકમનીજ ખોટી છે.

શાહ – ત્યારે આવતી કાલે જ એ બાબતનું આપણે પારખું જોઈશું.

ગંગ – એમ નહીં, એને માટે તો આઠ દિવસ પહેલાં તૈયારી થવી જોઈએ.

શાહ – તેમ કબુલ છે. આજથી આઠમે દિવસે આપણે એ માટે ઠરાવીએ. બીરબલ બાદશાહી બાગમાં એ માટે મોટો માંડવો નખાવો અને તે દીવસ જાહેર રજા તરીકે પળાવો.

બીરબલે તે માટેના જોઈતા હુકમ અમલદારોને આપી દીધા. આઠમો દિવસ થતાં સહવારના રાજબાગમાં ખૂબ ધામધુમ મચી રહી. લોકો સારાં કપડાં પહેરી ટોળાબંધ ત્યાં જવા નીકળ્યા. એક બાજુ શાહ અને તેના દરબાર માટે ગોઠવણ કરવામાં આવી હતી. બીજી બાજુ જનાના માટે પરદાઓ બાંધી લીધા હતા. તેમાં બાદશાહી જનાનાની સ્ત્રીઓ ઉપરાંત દરબારીઓ તથા શ્રીમંતોની સ્ત્રીઓ આવીને બેઠી હતી. એક તરફ શહેરના અમલદારો માટે બેઠકો હતી. પ્રજાને માટે સઉથી વધારે જગા રાખવામાં આવી હતી ત્યાં લોકો કીડીની પેઠે ઉભરાઈ જતાં હતા. વચ્ચે રાખેલા ચોકમાં અઢાર ભાટોને લઈને ગંગ બેઠો હતો. ગંગની છોકરીનો છોકરો જે સાત વરસનો બાળક હતો તેને લાવીને તેમની સામે બેસાડયો. આ બાળક બાદશાહી જનાનામાં ઉછરી મોટો થયો હતો તેથી તે બધી મુગલાઈ રીત શીખ્યો હતો.

બાદશાહ અને દરબારીઓ આવી બેઠા પછી બાદશાહે ગંગને કહ્યું કે, ‘ ગંગ ! હવે ભાટનો છોકરો જન્મથી જ ભાટ જન્મે છે એ વાત ખરી કે ખોટી, તે હવે પ્રત્યક્ષ પુરાવા રૂપજ થશે.’