આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો ત્રણ
-૦:૦-


કાં પુતળું બાંધો કાં પુતળાં લો
-૦:૦-
બુદ્ધિ હિમ્મત શરમ સુબળ, રહે ન એકે ઠામ;
ઉત્તર એના આપવા, હાજર જવાબી કામ.

એક સમે શાહ દરબાર ભરી બેઠો હતો. દરબારમાં બીરબલ, જગન્નાથ, ગંગ, તાનસેન અને બીજા સાહેરો એકમેકને સવાલ જવાબ કરી રહ્યા હતા. આ ચાલતા સવાલ જવાબથી તમામ દરબાર લીન થઇ ગઇ હતી. એટલામાં જેને પગે સોનાના પુતળાંઓ બાંધેલાં હતાં. હાથમાં વિજય પતાકા રહી ગઇ હતી. મહા સ્વરૂપવાન અને મજબુત શરીરવાળો એક બુદ્ધિશાળી બ્રાહ્મણ દરબારમાં આવીને ઉભો. દરબારમાં બેઠેલાઓને બે હાથે નમસ્કાર કરીને બોલ્યો કે, 'હે શાહના શાહ અકબર ! તારી દરબારમાં નવ રત્નો બીરાજમાન છે. અને તે રત્નો વડે તું શોભી રહ્યો છે. તારા તે નવ રત્નોને દુનિયાનો પંડીત જીતી શકતો નથી. એમ મેં મારે કાને સાંભળ્યું છે. મોટા મોટા પીસ્તાલીશ રાજાઓને જીતી અને તેઓની પાસેથી અકેકું સવાશેર સોનાનું પુતળું બંધાવીને તમારી દરબારમાં દાખલ થયો છું. માટે શાસ્ત્રના વાદ વિવાદમાં મારી સામે ટક્કર ઝીલે એવા તમારા એકાદ રત્નને ઉભો કરો. પણ મારી સરત એટલી છે કે, જો મને કોઇ સંવાદમાં જીતે તો હું આ ૪૫ પુતળાં છોડી દઇને મારે રસ્તે ચાલતો જાઉં, ને ન જીતે તો તમારે સવાશેર સોનાનું પુતળું કરીને મારે પગે બાંધવું પડશે.'

આ બુદ્ધિશાળીના વચન સાંભળતાજ દરબાર વિસ્મય પામી. ક્ષણવાર શાંત રહી, એક બીજાના મોઢા સામું જોવા લાગી. પણ કોઇ આની સાથે સંવાદ કરવાને ઉઠ્યું નહીં. આ જોઇ બાદશાહે તરત બીરબલને ઈસારત કરી. ઇસારત થતાજ બીરબલ ઉભો થયો અને કહ્યું કે, ' મહારાજ ! કહો કે તમારે શું બાબત વીશે સંવાદ ચલાવવો છે.' તેણે કહ્યું કે, મારે માત્ર ચાર સવાલ પુછવાના છે તેનાજ જવાબ આપો. જો જવાબ નહીં, આપી શકશો તો સવાશેર સોનાનું પુતળું બાંધવું પડશે.' બીરબલે કહ્યું કે, ' તમારી શરત કબુલ છે. પણ તમે જો હારો તો આ તમારા પગે બાંધેલા પીસ્તાલીસ પુતળા છોડી દેવા પડશે. એ શરત કબુલ હોયતો સવાલ પુછો.'