આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો છઠી
-૦:૦-


જાત વિના ભાત પડે નહીં
-૦:૦-


એક સમે શાહે પોતાના ગુલામને પુછ્યું કે, 'અઈ આજ તું ખરેખરૂં કહે કે આ જગતમાં કોઇ પણ વસ્તુની તને ઇચ્છા બાકી રહી છે ?' ગુલામે કહ્યું કે, ' મારા મનની ઉમેદ આપ નામ વરે પુરી પાડી છે, પણ તેમાંની કંઈક બાકી રહી ગઈ છે માટે આપ હુકમ કરોતો વીદીત કરૂં.' શાહે કહ્યું કે, ' મારા જાન ! બાકી રહેલું હોય તે ખુશીથી માગી લે, હું આપવા કબુલ છું.' ગુલામે કહ્યું કે, માત્ર અંહીથી ભાગી જવાની ઉમેદ મારા મનમાં બાકી રહી છે.' શાહે ઉમેદ છે તો પુરી કર ?' શાહનો આ હુકમ થતાજ ગુલામ તો ત્યાંથી નહાશી પોતાના એક મીત્રના ઘરમાં જ‌ઇ ભરાઇ બેઠો. પોતાના પ્રાણ સરખા ગુલામનો વિયોગ સહન નહીં થ્‌ઇ શકવાથી શાહ ઘણો બે ચેન થઇ જ‌ઇને હજુરીઆઓને હુકમ કર્યો કે અ‌ઇઆજને શોધી લાવી મારી સમીપ હાજર કરો. શાહનો હુકમ થતા બીજા કારભારીઓ તે ગુલામને મનાવવા ગયા. બહુ સમજાવ્યો પણ તેણે તો ઉહુંજ ઉહુંજ કર્યા કીધું. લોકો થાકી પાછા આવ્યા. શાહતો તેના વિયોગથી વધારે પીડાવા લાગ્યો. શાહે ખાસ મંડળને કહ્યું કે, જે અ‌ઇઆજને મનાવી લાવશે તેને અમુલ્ય હીરાનો હાર આપીશ !' શાહનું આ વચન સાંભળી બીજા કોઇએ હા પાડી નહીં. પણ શાણા બીરબલે કહ્યું કે, ' હજુર ! હમણાંજ મનાવી લાવું છું જરા પણ અકળાશો નહીં !' એટલું કહી બીરબલ તે ગુલામની પાસે ગયો અને કંઇ પણ કહ્યા વગર તેણે લાત મુકીઓની ગરમાગરમ મીઠાઇ ચખાડવા માંડી. આ ગરમા ગરમ મીઠાઇથી ગુલામતો ગભરાઇ જ‌ઇ તરત ઉભો થઈને કહ્યું કે, ' શાહેબ ! શા માટે મને મારો છો ? હું આવવા ક્યાં ના પાડું છું ?' બીરબલે કહ્યું કે, 'ત્યારે ઝટપટ આગળ ચાલ : ગુલામ અને બીરબલ તરત ત્યાંથી નીકળી શાહ આગળ આવી ઉભા. ગુલામને આવેલો જોઇ શાહ તેને ભેટી પડ્યો અને પુછ્યું કે, 'વ્હાલા અ‌ઇઆજ ! તુને બીરબલ શ્યા ફેરબથી મનાવી લાવ્યો તે તું મને જણાવ.' ગુલામે બનેલી બધી હકીકત કહી બતાવી. જે સાંભળી શાહ બીરબલની ઉપર એટલો ખુશી થ‌ઇ ગયો કે એકને બદલે બે હીરા આપી દીધા.

સાર--મહોટા પુરૂષો કદી પણ કોઇની સાથે સ્નેહ બાંધી મારો કરી લેતા નથી અને કરે છે તો પ્રાણાંત સુધી તેને છેહ દેતા નથી.


-૦-