આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેરી દીધો. અને પછી શાહ આગળ આવીને શાહને કહ્યું કે, 'કીબલે આલમ ! બધું બરાબર કરી ચુક્યો છું. હવે માત્ર મોતી વાવી દેવા એટલું જ કામ બાકી રહ્યું છે, પરંતુ હું ચોર છું તેથી મારે હાથે વાવીશ તો ઉગશે નહીં, કેમકે જેણે કોઈ દીવસ ચોરી ન કરી હોય તે માણસના હાથથી વાવે તોજ ઉગે. માટે જેણે ચોરી ન કરી હોય તેવો માણસ આપવાની મહેરબાની કરશો.

આ પ્રમાણે ચોરનું બોલવું સાંભળીને પોતાની હજુરમાં ઉભેલા અમીર ઉમરાવોને શાહે પુછ્યું કે, 'આ ચોર કહે છે જેણે કોઈ વખત કોઈ પણ પ્રકારની ચોરી ન કરી હોય તેવા માણસના હાથથીજ મોતી ઉગે. માટે તમે એ કામથી પવીત્ર છો, જેથી ગમે તે એક જણ એની સાથે જાઓ.' શાહના આ વચન સાંભળીને અમીર ઉમરાવોના હોશકોશ ઉડી ગયા. અને અમીર ઉમરાવો મનમાં વીચારવા લાગ્યા કે, કદાચ બાળપણમાં કંઈક લાલચને માટે ચોરી કીધેલી પણ હોય તેની શી ખાત્રી ! અને કદાચ હામ ભીડી પવીત્ર બની મોતી વાવવા ગયા અને મોતી ન ઉગ્યા ત્યારે આ ચોર શું કહેશે ? આ પણ મારા જેવો ચોર છે તેથી મોતી ઉગ્યા નહીં ? ત્યારે આપણીએ શી દશા થશે ? હાથે કરીને શા માટે હજારો માણસની વચમાં પોતાનું ડહાપણ ડોળી પોતાની વીના કારણે ફજેતી કરાવવી જોઈએ ? માટે નહીં બોલવામાં નવ ગુણ છે. આમ વીચારીને તેઓએ કંઈ પણ જવાબ દીધા વગર છાના માના બેસી રહ્યા. આ બનાવ જોઈ તે ચતુર ચોરે કહ્યું કે,'સરકાર ! તમારી દરબારમાં મારા જેવા ચોરોજ છે ? શાહુકાર હોય એમ તો જરા પણ જણાતું નથી. તો જ્યારે આટલા બધા ચોરોને આપે પોતાના માનીતા ગણીને મહોટી મહોટી જાગીરો બક્ષી છે. અને મહોટા મહોટા ઓદ્ધાઓ આપેલા છે ત્યારે મારા જેવા અલ્પ ચોરને અલ્પ ચોરી કરવા માટે શું શુળીની શીક્ષા ? કારણકે આપ જેવા અદલના શાહના અમલમાં નીષ્પક્ષપાતપણે અદલ ઈન્સાફ મળે છે તો પછી મને શા માટે અદલ ઈનસાફ ન મળવો જોઈએ ? અને જો હું શીક્ષાને પાત્ર છું તો સધળા ચોરોને શીક્ષા તેજ પ્રમાણે થવીજ જોઈએ. નહી તો અદલ ઈનસાફ મળે છે એ શબ્દ ઉપર હરતાલ લગાડી રદ કરવો ઘટે છે.'

ચોરનું આવું યુક્તીદાર બોલવું સાંભળી શાહ ખુબ પ્રસન્ન થયા અને તેનો અપરાધ માફ કરી યોગ્ય ઈનામ આપી તેને રવાના કીધો.

-૦-