આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોની--શું અમે ચોર છ‌ઇયે કે ચોરી કરીએ ? આપે કરી આપેલા વજન અને કસ બરોબર માલ મળી રહ્યો. મહેનતના પ્રમાણમાં મઝુરી મળે એટલે બસ.

શાહ--તમો જે કહો છો તે ખરૂં છે. પણ આપણી શરત શી છે તે તો તમને યાદ હશેજ.

સોની--હજુર ! તમારા ચાલાક અમલદારોની હાજરીમાં અમારાથી ચોરી કેમ કરી શકાય ?

શાહ--તે હું કાંઇ જાણતો નથી. હું તો મારી સરત મુજબ વરતનાર છું. જો સોનાની ચોરી કરી નહીં હોય તો તમને મોતની સજા કરવામાં આવશે. માટે તમે કહો કે કેટલા સોનાની ચોરી કરી છે. તમારો અપરાધ માફ છે.

બીરબલ સોનીઓની કાંઇક ચતુરાઇ જાણી ગયો હતો તેથી તે એટલી વાર સુધી ગુપચુપ ઉભો હતો તેણે કહ્યું કે, 'મહાજન ! માલીક ક્યાં કહે છે કે, તમે થોડા સોનાની ચોરી કરી છે ? તમે તો વધારે સોનાની ચોરી કરી હોય એમ લાગે છે.'

સોની--અમને ક્ષમા કરો. અમે વધારે ચોરી કરી નથી.

શાહ--તમારા અપરાધની ક્ષમા કરવા છતાં તમે તમારો અપરાધ કબુલ નહીં કરો તો પછી તમને વધારે સજા ખમવી પડશે. કારણ કે મેં પહેલાજ કહેલું છે ચોરી કરતાં પકડાશો અને નહીં કરશો તોપણ સજા થશે. માટે તમારા બોલવા ઉપરથી બધુએ બરાબર છે તેથી એમ લાગે છે કે તમે શીક્ષાને પાત્ર થયા છો. માટે સજા ભોગવવા તત્પર થાઓ.

હવે વધારે રીકઝીક કરવામાં સાર નથી એમ જાણી પેલા બુધ્ધા સોનીએ કહ્યું કે, 'તમારા ચંચલ અમલદારોએ અમારી ચોરી પકડી શક્યા નથી પણ અમેતો આખા હાથીની ચોરી કરી છે. ખાત્રી કરવી હોય તો તપાસો કે એ સોનાનો છે કે પીત્તળનો ?

સોનીના આવા શબ્દો સાંભળી શાહ ચમક્યો, તેણે પોતાના સોનીને બોલાવી મંગાવી તેનો કસ કઢાવ્યો તો હાથી તો પીતળનો માલમ પડ્યો. શાહે આ કેમ બન્યું તે માટે સોનીઓને ખુલાશો પુછ્યો. સોનીઓએ બનેલી બધી વાત કહી સંભળાવી, નદીમાંથી હાથી લાવી શાહને સ્વાધીન કીધો. શાહે સોનીઓને તેમની ચાલાકી માટે શાબાશી તથા ઇનામ આપી વીદાય કીધા.

-૦-