આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો ચોવીસમી
-૦:૦-
શું આ ધર્મશાળા છે ?
-૦:૦-

એક સમે શાહ શીકારે ગયો હતો. તે બે ચાર દહાડા સુધી રોકાવાનો હતો. તેથી બીરબલ દરરોજ સાંજના જુદો જુદો વેષ ધારણ કરી શહેરની ચરચા જોવા નીકળતો હતો. શાહને શીકારે ગયે ચોથો દીવસ થયેલો હોવાથી બીરબલે જોગીનો વેષ ધારણ કરી શહેરમાં એક રોન મારીને પછી શહેર બહાર ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં તે થાકી જવાથી રાજ બાગમાં જઇ નીમીશ વાર આરામ લેવા બેઠો. આ સમે કોઇ માણસ રાજબાગમાં હાજર ન હોવાથી તેને કોઇએ અટકાવી પુછ્યું નહીં કે તું ક્યાં જાય છે ? શાહ શીકારે ગયેલો હોવાથી નોકરો રાજબાગના મહેલમાં ભરાઇ બેઠા હતા. બીરબલને વધારે જરૂર ન હતી તેથી તે બંગલાના ઓટલા ઉપર જઇને બેઠો. એટલામાં શાહ ત્યાં આવી ચઢ્યો. પોતાની સાથેના માણસોને પાછળ મુકીને તે આગળ નીકળી આવ્યો હતો. બીરબલે જોગીનો વેષ એવી તો સફાઇથી પેરેલો હતો કે ગમે તેવો તેનો પાસેનો સંબંધી પણ ઓળખી ન શકે. શાહને શીકારેથી પાછો ફરેલો તેણે જોયો, પણ જાણે તેને જોયોજ ન હોય એવી રીતે બીરબલ બેસી રહ્યો.

કેટલીકવાર સુધી તેની સામે એકી નજરે જોયા પછી શાહે પુછ્યું કે, 'જોગીરાજ ! ક્યાંથી આવો છો ?'

તે વેષધારી યોગીએ પોતાનો અવાજ બદલી નાખી કહ્યું કે, 'ફરતો ફરતો આ તરફ આવી ચઢ્યો છું.'

શાહ--આ કાંઇ ધરમશાળા નથી ? આતો શાહનો રાજબાગ છે. શું તમારે મન બાદશાહી બાગ અને ધરમશાળા બંને સરખા છે કેમ ?

વેષધારી યોગી--નામવર ! હું એક બે સવાલ પુછું તેનો જવાબ આપવાની જરા મહેરબાની કરશો. જ્યારે પહેલાં આ રાજબાગ અને મહેલ બંધાયો ત્યારે એમાં કોણ રહેતું હતું ?

શાહ--મારા વડીલો રહેતા હતા.

બીરબલ--તે પછી ?

શાહ--પછી મારા દાદા અને મારો બાપ રહેતા હતા.

બીરબલ--હમણાં અંહી કોણ રહે છે ?

શાહ--હું પોતે રહું છું.

બીરબલ--આપની પછી અંહી કોણ રહેશે ?