આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો તેત્રીસમી
-૦:૦-
આંધળો અને શાહ
-૦:૦-

એક દીવસની રાતે શાહ અને બીરબલ વેશ પલટાવીને ફરવા નીકળ્યા હતા. આ બંને ફરતાં ફરતાં થોડાક છેટે નીકળી ગયા. એટલામાં એક આંધળો માણસ ખભા ઉપર પાણીનો ઘડો મુકીને અને હાથમાં એક બળતું ફાનસ લઇને તેઓને સામે મળ્યો. આંધળાઓ આવી બાબતમાં ઘણા હુંશીઆર હોય છે અને પોતાનો આવ જાવ કરવાનો રસ્તો ભુલતા નથી એ વાતથી શાહ કંઇ અણવાકેફ નહતો. છતાં હાથમાં બળતું ફાનસ જોઇને શાહ ઘણો અજાયબી પામ્યો. શાહે બીરબલને કહ્યું કે, ' એને પુછ કે તું શા માટે ફાનસ લઇને ચાલે છે ?'

એટલામાં આંધળો નજદીક આવ્યો તે જોઇ બીરબલે તેને ઉભો રાખીને પુછ્યું કે, 'અરે અંધ ! તું આ સમે ફાનસ લઇને કેમ નીકળ્યો છે ? તને તો રાત અને દહાડો, સવાર અને સાંજ, અંધારું અને અજવાળું એ બધું સરખુંજ છે. તો પછી દીવો લઇને ફરવાથી શું લાભ છે ?

આંધળો-અરે મુરખ ! આ ફાનસ કાંઇ આંખ વગરનાં આંધળાઓ માટે નથી, પણ હૈયાના ફુટેલ આંધળાઓ માટે હોય છે. અંધારી રાતના પાણીનો ઘડો લઇને હું આવું છું તે તમારા જેવા હૈયાના આંધળાને ન દેખાય કે આંખોનો આંધળો પાણીનો ઘડો ભરીને આવે છે તો તમે મને ધકો મારીને ચાલ્યા જાઓ અને મારો ઘડો પડી જાય. અને તેની સાથે હું પણ પડી જાઉં. પણ જો મારા હાથમાં ફાનસ હોય તો તમને જણાય કે, આંધળો આવે છે તેથી તમે મારાથી છેટે ખસીને ચાલ્યા જાઓ.

આંધળાની આવી ચતુરાઇ સાંભળી શાહ ઘણો ખુશી થયો. તેણે બીરબલને કહ્યું કે, ' આ આંધળાને કાંઇ ઇનામ આપવું જોઇએ.'

બીરબલ--ઠીક છે ગમે તે આપો.

શાહે તેને પાંચ મહોરો આપવા માંડી તે ન લેતાં આંધળાએ કહ્યું કે, હું ભીખારી નથી કે કોઇનું દાન લઉં.