આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોટવાળ કેટલાક સીપાઇઓ સાથે ત્યાં દોડી આવી શેઠાણીને પુછ્યું કે, 'અહો, શેઠાણી, આજ આટલા બધાં કેમ રડો છો ? શું દુઃખ આવી પડ્યું છે ? તમને કોણે સંતાપી? તેનું કારણ તો જરા જણાવો? તે રડતાં રડતાં કહેવા લાગી કે, 'શું કહું, કહેતા જીભ અટકે છે, શરીર કાંપે છે, છતાં કહ્યા વગર ચાલે એમ નથી. તમારા શેઠ જે મારા પતી થાય છે તેણે રાજાના કુંવરનું માથું કાપી આ પેટીમાં મુકી તાળું મારી બહાર ગયા છે, મને આ વાત કોઇને ન જણાવવા માટેનું કહી બહુ મારી છે, તે મારના દુઃખથી રડું છું.' એમ કહી પોતાનો વાંસો ખુલ્લો કરી કોરડાના સોળ કોટવાળને દેખાડ્યા. તે જોઇ કોટવાળ બહુ ખેદ પામી બોલ્યો કે, 'આ ઉપરથી જણાય છે કે શેઠ મહા પાપીનો પાપી છે. એ પાપીને પકડી એના પાપની શીક્ષા કરાવું. શું મેં સારા કુળની કન્યા આવો માર ખાવા માટે પરણાવી હતી ? ધીકાર છે એવા ચંડાલોને !'

કોટવાલે તરત શેઠને પકડી લાવવા માટે સીપાઇઓને દોડાવ્યા. હુકમ થતાંજ કુતરાની પેઠે સીપાઇઓ શેઠની શોધ માટે દોડ્યા. ચારે તરફ તપાસ કરતાં શેઠ સપડાઇ ગયા. કશી પણ પુછપરછ ન કરતાં હડકાયા કુતરાના પેઠે સીપાઇઓ ભસવા લાગ્યા કે, 'જુઓ છો શું ફટકાવો ? એ હરામખોરને બાંધો ? એ અધમ પાપી ખુનીને પકડો ? અરે એ ખુન કરી ભમતો ફરતો હતો ? હવે ક્યાં જઇશ ? હાથે કરીને મોત માગી લીધું છે ? તું કેવો નીચમાં નીચ છે ? લે હવે તેનું ફળ ભોગવજે ?' તેને બાંધી ખુબ કોરડાના માર મારતા મારતા કોટવાળની પાસે લાવ્યા. માર સહન ન થઇ શકવાથી શેઠે કહ્યું કે,' અરે કાળા માથાના દુષ્ટ માનવીઓ મને વગર વાંકે શામાટે માર મારી અધમુવો કરી નાંખો છો ! મેંતો તમારો શું અપરાધ કીધો છે તે તો જરા જણાવો.' આ સાંભળી કોટવાલે કહ્યું કે, 'હરામખોર ચુપ રહે ? એતો જાણ્યું તારૂં ડહાપણ ? તે જેમ તે અપરાધ કીધો છે તે હમણાજ જણાઇ આવશે. અરે ઓ દુષ્ટ ! આવાં આવાં ઘોર કરમો કરવા માંડ્યાછે? ઠીક છે ! હમણાંજ તારી કરણીના ફળ ચખાડું છું ?' આમ શેઠને ધમકાવી સીપાઇઓના મજબુત પહેરા સાથે રાજાની સમક્ષ ઉભો કરી કોટવાલે કહ્યું કે, 'નામદાર ! આ પાપીએ આપના કુંવરનું માથું કાપી પોતાના ઘરની પેટીમાં મુક્યું છે, તે વાત કોઈના જાણવામાં ન આવે તેટલા માટે તેણે તેની સ્ત્રીને ધમકી આપી તેણીનો વાંસો કોરડાથી ફાડી નાખ્યો છે માટે તે સ્ત્રીને બોલાવી તેનો વાંસો જોવાથી આપને ખાત્રી થશે.

આવું કોટવાળનું સાંભળતાંજ રાજાના ગુસ્સાનોપાર રહ્યો નથી,અને તેની કાંઈ પણ તપાસ કર્યા વગર ખુનીને એક્દમ શુળી ઉપર ચઢાવી દેવાનો કોટવાળને હુકમ આપ્યો. રાજાનો આવો કરપીણ હુકમ થતાંજ તરત કોટવાળ શેઠને સ્મશાન ભુમીપર લઇ ચાલ્યો. રસ્તે ચાલતા શેઠનો ચાકર શેઠને મળ્યો. તે જોઇ શેઠે પોતાના ચાકરને કહ્યું કે, 'તારી શેઠાણીને જઇને કહે કે તારો સ્વામી શુળી ઉપર ચઢે છે. આનો શું જવાબ આપે છે તે જલ્દીથી મને કહી જા. ચાકરે જઇ બનેલી હકીકત શેઠાણીને કહી. તે સાંભળી જરા પણ દીલગીરી ન થતાં