આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'મલ્યાલના રાજાએ ચાર વસતુઓ માગી હતી તે તૈયાર છે,' બીરબલનું આવું બોલવું સાંભળી શાહ બહુ ખુશ થઇ બીરબલને પુછ્યું કે, 'તે ચારે વસ્તુઓ ક્યાં છે ?' બીરબલે કહ્યું કે, 'સરકાર ! તે ચારે વસ્તુઓ રાજાના ગામમાં જ છે. માટે આપ મને એક પત્ર સહી સીકા સાથે લખી આપો.' બાદશાહે તરત સહી સીકા સાથેના પત્રમાં લખી જણાવ્યું કે, 'આપની મંગાવેલી ચારે ચીજો બીરબલ સાથે મોકલેલ છે તે તપાસી લઇ પાછો ઉત્તર લખી આપશો.' તે પત્ર લઇ બીરબલ મોટા ઠાઠ માઠને સાથે માલ્યાલની રાજધાનીમાં પ્રવેશ કરી અનુચરે સાથે રાજાને કહી મોકલાવ્યું કે, 'દીલ્લીથી બીરબલ આપની ભેટ લેવા આવ્યો છે.'

રાજાએ તરત દરબારમાં દાખલ કરવાનો ચોપદારને હુકમ આપ્યો. બીરબલ પણ રાજરીતી મુજબ દરબારમાં પ્રવેશ કરી રાજા સમીપ આવી યોગ્ય વીનયથી અભીવંદન કરી ઉભો રહ્યો. તે જોઈ રાજાએ પણ યોગ્ય આદર સત્કાર કરી બીરબલને બેસવાને આસન આપ્યું. અરસપરસ કુશળતા પુછી. બીરબલે શાહના હાથનો લખેલો પત્ર રાજાના હાથમાં મુક્યો. રાજાએ પત્ર વાંચી આશ્ચર્યતાથી બીરબલને પુછ્યું કે, 'તે ચારે વસ્તુ ક્યાં છે ?' બીરબલે કહ્યું કે, 'મહારાજ ! અહીંયાંજ હાજર છે.' એમ કહી પોતાના માણસને કહ્યું કે, 'મારી સ્ત્રી અને નાયકાને અહીં બોલાવી લાવો. ચાકરે જઇને બંનેને બોલાવી લાવ્યો, તે જોઈ તેણીઓને પોતાની પાછળ ઉભીઓ રાખી બીરબલે કહ્યું કે, 'સરકાર ! હું આપના નગરમાં શેઠનું નામ ધારણ કરી સરકારી ચબુતરાની સામે એક મોટો બંગલો ભાડે લઇ રહ્યો હતો. પછી તમારા કોટવાળ સાથે મીત્રાચારી બાંધી હતી, અને તે કોટવાલે મારી પાસેથી પુષ્કળ ધન સંપાદન કરી આ નાયકા સાથે સંબંધ કરાવી, આ ઉંચ કુળની કન્યા સાથે પરણાવ્યો હતો. આ પરણેતર સ્ત્રીને હમેશાં એક કોરડો મારવાનો ઠરાવ કીધો હતો. હવે આ સ્ત્રી અસલ છે કે કમ અસલ છે તેની ખાત્રી કરવા માટે બજારમાં જઇ એક પાકેલું તરબુજ ખરીદી તેના બે ટુકડા કરી એક રાતા રૂમાલમાં બાંધી ઘરમાં આવ્યો, અને અમારી સ્ત્રીને કહ્યું કે, 'આ રાજાના કુંવરનું માથું કાપી લાવ્યો છું તે તું કોઇને કહેતી નહીં.' એમ કહી તે બે કટકા પેટીમાં મુકી પેટી બંધ કરી. મારી બાયડીને જોરથી બે કોરડા મારી બહાર જતો રહ્યો. ઘરની બહાર પગ મુક્યા પછી મારી આ કુળવંતી નારી રડવા કુટવા લાગી અને ધમસાણ મચાવી લોકોના ટોળાં એકઠાં કીધાં. એ કોળાહળ સાંભળી કોટવાળ તેની પાસે ગયો, અને તેને શોર બકોર મચાવી મુકવાનું કારણ પુછ્યું. પોતાની દાઝ કાડવાનો સમય આવેલો જોઈ મારી એ નારીએ બધી વાત કહી દીધી. તેથી કોટવાળ મને બાંધી આપની સમક્ષ લાવી ઉભો કીધો. અને તેના કહેવાથી આપે મને શુળી ઊપર ચઢાવવાનો હુકમ આપ્યો. મને થયેલી શુળીનો હુકમ મારી બાયડીને કહી મોકલાવ્યું છતાં મારો પ્રાણ બચાવવાની કાંઈ પણ પ્રેરણા ન કરતાં, વચમાંથી પાપ ટળ્યું એમ માની ખુશ બની બેઠી રહી તેથી તે અસલ નહીં પણ કમ અસલ એ આપની એક વસ્તુ લો. હવે આ જે નાયકા મારાં જમણા હાથ આગળ ઉભી છે તે