આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રેમાનંદ

૧૪૦
નળાખ્યાન

સાગરમાં નાવ હોયે જેમ, ભીમકનું નજ્ઞ દીસે તેમ;
ગજદળ હયદળ ને માનવ, તેણે અંન થયું મોઘું સરવ.
રસકસ સાહામું નવ જોવાય, તૃણ જળ ટાંકે તોળાય;
રંક લોકની ચાલે અરજના, માંગ્યાં મૂલ આપે ગરજના.
ભીમક લે સર્વનો તપાસ, જે જોઈએ તે ફેરવે દાસ;
નગર ભરાયું ખચખચી, રાયે મંડપ રચના રચી.
હીંડોળા બાંધ્યા ધારણે, કદળીસ્તંભ રોપ્યા બારણે;
ચિત્રામણ ચિતરિયાં ભીત, નાના પ્રકારની કરી રીત.
મંડપ લીપ્યો કનકની ગાર, સાહામાં સાહામી આસનની હાર;
જેહેને જાંહાં બેઠાનો ઠામ, તાહાં રાજાનાં લખિયાં નામ.
એ કથા એટલેથી રહી, એક નવીન વારતા થઈ;
નારદને કલહની ટેવ, ગયા સ્વર્ગ જાંહાં બેઠા દેવ.
પૂજ્યા અર્ચ્યા પ્રીત અપાર, તવ ઈન્દ્ર પૂછે સમાચાર;
કહો ઋષિ પૃથ્વીની પેર, કો પુરુષ ન આવે અમારે ઘેર.
પૃથ્વીમાં પડતી સાધુની કાયે, તે આવતા સ્વર્ગ માંહે;
અમરાવતીનો સુનો ઘાટ, જમપુરની વેહે છે વાટ.
જમપુર ભરાઈ વસ્યું, આહાં કો નાવે તે કારણ કશું;
કહે નારદ સંભળીએ સત્ય, હવડાં મનુષ જાયે અવગત્ય.
દમયંતી દમયંતી કરતા મરે, તે સર્વ જમપુરી સાંચરે;
ત્યાં સ્વયંવર મંડાયો આજ, મળ્યા છે પૃથ્વીના રાજ.
શું અપ્સરાનાં વોહો છો વના, દમયંતીની દાસી દેવાંગના;
વિદર્ભ દેશ ને કુંદનપુર, જાઓ જોવા શું બેઠા સૂર;
કઈ નારદ થયા અંતરધાન, છાના દેવ થયા સાવધાન.
સંભારી રુપ મનમાં ફૂલતા, ચાર દેવને લાગી લૂલતા;
ઈંદ્ર અજ્ઞિ વરુણ ને જમ, ઉઠી ચાલ્યા જ્યમ ત્યમ.

વલણ

જ્યમ ત્યમ ચાલ્યા દેવતા, ધરી જુજવાં રૂપરે;
વિદર્ભ ગયા મનભંગ થયા, દેખી નળનું રૂપરે.

કડવું ૧૮ – રાગ:સારંગ.

નળને જોવા ઈંદ્ર રહ્યા છે, એટલે આવ્યા જમજી;
અગ્નિ વરુણ પૂંઠેથી આવ્યા, પૂછે માંહોમાંહે ક્યમજી.