આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
સુદામા ચરિત્ર

ઝલકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી;
સભા માંહે સ્ફટિકના સ્તંભ, ત્યાં થઈ રહ્યો છે નાટારંભ.
મૃદંગ ઉપંર મધુર તાળ, ગુનીજન ગાયે ગીત રસાળ;
ઝમક ઝમક ઘૂઘરડી થાય, તે સુદામોજી જોતા જાય.
સુવર્ણ-કલશપતાકાં બિરાજે, ઝંઘડ દુંદુભિ વાજે;
વાજે શરણાઇ ભેરી નફેરી, આનંદ-ઓચ્છવ શેરીએ શેરી.
હરતા-ફરતા હીંસે ઘોડા, બાંધ્યા હેમ તણા અછોડા;
ઘૂમે કરી મકના મદગળા, લંગર પાયે સોને સાંકળાં.
હેમ-કળશ ભરી લાવે પાની, તે દાસી જાણે ઇંદ્રાણી;
છપ્પન કોટિ જાદવની સભા, નવ રાખે દાનવની પ્રભા.
ઉત્તમ જોધ ઊભા પ્રતિહાર, સાચવે શામળિયાનું દ્વાર;
ત્યાં સુદામોજી ફેરા ફરે, સંકલ્પ-વિકલ્પ મનમાં કરે:
'ગહન દીસે, ભાઈ! કર્મની ગતિ, એક ગુરુના અમો વિદ્યારથી;
એ થઈ બેઠો પ્રથવીપતિ, મારા ઘરમાં ખાવા નથી!
રમાડતો ગોકુળ માંકડાં, ગુરુને ઘેર લાવ્યા લાકડાં;
એ આજ બેઠો સિંઘાસન ચડી, મારે તુંબડી ને લાકડી.
વળી સુદામાને આવ્યું જ્ઞાન; 'હું અલ્પ જીવ, એ સ્વયં ભગવાન;
જો એક વાર પામું દર્શન, જાણું હું પામ્યો ઇંદ્રાસન.'
છે વિવેકી હરિના પ્રતિહાર, પૂછે સુદામાને સમાચાર:
'કહો, મહાનુભાવ! કેમ કરુણા કરી?' તવ સુદામે વાણી ઓચારી:
'છું દુર્બળ બ્રાહ્મણનો અવતાર, છે માધવ સાથે મિત્રાચાર;
જઈ પ્રભુને મારો કહો પ્રણામ, આવ્યો છે વિપ્ર સુદામો નામ.

વલણ

નામ સુદામો જઈ કહો, ગયો ઘરમાં પ્રતિહાર રે;
એક દાસી સાથે કહાવિયો શ્રીકૃષ્ણને સમાચાર રે.

કડવું ૭ – રાગ મારુ

સૂતા સેજ્યાએ છે અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે;
રુક્મિની તળાંસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે.
ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે;
યક્ષકર્દમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે.