પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કૈવલ્યગીતા.

રાગ આશાવરી.

તું પૂરણ પુરુષોત્તમ પરબ્રહ્મ,દેખું છું હાજરા હજુર રે;
પરાપારથો બોલે પ્રાણપતિ,કેમ કહું નેણથી દૂર રે. તું પૂ ૦ (૧)
ઉપમા દીજે તે આરોપણ,દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે;
આપે આપમાં આડ્યજ(પડદો) શેની,દ્વૈતસહિત અદ્વૈતરે. તું પૂ ૦ (૨)
શ્વાસ ઉસાસ સરે ત્યાં તું છે,કળ ભારે તુજમાંય રે;
હું તું કરૂં પણ છે પ્રાયે તું,તું જોતાં હું ક્યાંય રે. તું પૂ ૦ (૩)
નખશિખ જોતાં તુંજ નર્યો(એકલો)હરિ,અન્ય તે કોણ ને ક્યાંથું રે;
ઇચ્છાબીજ વાવ્યું તુંજ માંહે,ઉગી આવ્યું તુંજ માંથું. તું પૂ ૦(૪)
મૂળ સ્કંધ શાખા પ્રતિશાખા,પલ્લવ પત્ર ફળ ફુલ રે;
સ્વાદ રંગ ગુણ નામ રૂપ બહુ,બીજ જોતાં નહીં ભૂલ રે. તું પૂ ૦(૫)
નિરંજન નિરાકાર નિરામય,એવું સરખું છે આપ રે;
અંજન આકાર ક્યાંથી આવ્યા,આપમાંહેથી સર્વ વ્યાપ રે. તું પૂ ૦(૬)
વસ્તુ નિરંતર કહું હું ધ્યાતા,ધ્યાતાવિના ધ્યેય ક્યાંય રે;
હું તું તું હું વસ્તુ વિચારે,અંકુર બીજજ પ્રાય રે. તું પૂ ૦(૭)
પરાપારમાં પેશીને જોયું,હુંપણું ન મળે રંચ રે;
પોષણ ત્યાં તું તેમનો તેમ છે,સર્વે તારો સંચ રે. તું પૂ ૦(૮)
તું ચેતન તુજ માંહે જામ્યો,જોયો ત્યાં તું જીવ રે;
શ્થૂળ નામ ધર્યા જીવેશ્વરનાં,તેમનું તેમ સદૈવ રે. તું પૂ ૦(૯)
હું નહીં તું નહીં તે નહીં તેહજ,ફાલ્યું ફળ્યું ઝાતકાર રે;
અવ્યક્તમાંહી વ્યક્ત સર્વ દીસો,આપ તે જાણણહાર રે. તું પૂ ૦(૧૦)
ઉપના કેરી આધ કહે કોય,અંત નહીં કોય કાળ રે;
મધ્યમાંહેથી નામજ નીસરે,એવું ધામ વિશાળ રે. તું પૂ ૦(૧૧)
ગાઉ છું હું ને ગાતો જા તું,અંતર ઉતરીને જોતે રે;
હું નો હું અને તું નો તું અજ,એમ પોતાનો પોતે રે. તું પૂ ૦(૧૨)
પિંડ જોતાં બ્રહ્માંડ જોવાયું,થાવર જંગમ દેહ રે;
સ્વર્ગ મૃત્યુ પાતાળ દશે દિશ,આપ તું સ્વામી એહ રે. તું પૂ ૦(૧૩)