આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધના


સાધનાનો બોધ

૨. મહાવીર નીકળ્યા ત્યાંથી લઇને બાર વર્ષ એમનું જીવન તપશ્ચર્યાનું ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપ કેવું હોઈ શકે, સત્યને શોધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હોવી જોઇયે, સત્ય, અહિંસા, ક્ષમા , દયા, જ્ઞાન અને યોગની વ્યવસ્થિતિ, અપરિગ્રહ, શાન્તિ, દમ, ઈત્યાદિ દૈવી ગુણોનો ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારની થવી જોઇયે, એના ઉત્તમ દૃષ્ટાંત રૂપ છે.


નિશ્ચયો

૩. આ જીવનભાગનો વિગતવાર હેવાલ આ સ્થળે આપવો અશક્ય છે. એમાંના કેટલાક પ્રસંગોનો જ ઉલ્લેખ કરી શકાશે. એમણે સાધના કાળમાં વર્તનના કેટલાક નિશ્ચયો કરી રાખ્યા હતા. તેમાં પહેલો નિશ્ચય એ કે પરસહાયની અપેક્ષા રાખવી નહિ, પણ પોતાના વીર્યથી જ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવો. બીજાની મદદ વડે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે જ નહિ એવો એમનો અભિપ્રાય હતો. એમનો બીજો ઠરાવ એ હતો કે જે જે કાંઈ ઉપસર્ગો* તથા પરિષહોx


*અન્ય પ્રાણીઓએ કરેલાં વિધ્નો અને ક્લેશો.
x નૈસર્ગિક આપત્તિઓ.
૮૧