આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રસ્તાવના


આપણે પ્રભુનું બંધુ તરીકે ધ્યાન ધરીયે અને બંધુની પ્રભુ પ્રમાણે સેવા કરીએ, તો આપણે લક્ષ્મણ અને ભરતની બંધુભક્તિ પ્રાપ્ત કરીયે અને રામનો બંધુપ્રેમ સહજ આવી જાય.

એ જ પ્રમાણે પ્રભુની મિત્ર તરીકે, ગુરુ તરીકે વગેરે ઉપાસના કરવી ઘટે, અને એ ઉપાસના પ્રત્યક્ષ મિત્ર, ગુરુ ઈત્યાદિકમાં ઉતારવી ઘટે.

પત્ની પરની આપણી પવિત્ર દૃષ્ટિ તો મિત્ર તરીકે જ હોય, એટલે મિત્રભાવનાને વધારવી એ જ પત્નીવ્રત ગણાય. પુત્રભાવનાનો વિસ્તાર શિષ્યમાં થાય, બંધુભાવનાનો મનુષ્યમાત્રમાં, માતાપિતાનો વડીલો પ્રત્યે. આપણી પરમેશ્વર પ્રત્યેની ભાવના પ્રત્યક્ષ મનુષ્યમાં ન ઉતરે તો એ ભક્તિ જડ જ છે.

એક જ ચેતવણી આ ઉપાસનાવિધિમાં આપવી ઘટે છે. રામકૃષ્ણ જેવા થવું એટલે રામ-કૃષ્ણની કીર્તિના ઈર્ષ્યાળુ થવું એમ નહિ. આપણા ઉપર કોઈ વાલ્મીકિ કે વ્યાસ કાવ્ય કરે, આપણી મૂર્તિઓ ઘેર ઘેર પૂજાય, આપણા નામના સંપ્રદાયો ચાલે, આપણી જય બોલાતી રહે, એવી જો આપણે આકાંક્ષા ધરી તો રામ-કૃષ્ણ જેવા કદી થવાશે નહિ.
૧૫