આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

આ જીવન પરિચય વાંચી, વાંચનાર અવતારોને પૂજતો થાય એટલું બસ નથી. એ અવતરોને પારખવા શક્તિમાન થાય અને અવતારો જેવા થવા પ્રયત્નશીલ થાય તો જ આ પુસ્તક વાંચવાનો શ્રમ સફળ થયો ગણાશે.

છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઇ નવું છે તે વિચારો મને પ્રથમ સૂઝ્યા છે એમ નથી કહી શકતો. મારા જીવનના ધ્યેયમાં ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનારા મારા પૂજ્યપાદ ગુરુદેવ જ મારે નામે બોલે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી.

રામ અને કૃષ્ણના લેખો માટે હું રા. બા. ચિન્તામણ વિનાયક વૈદ્યનાં અવતારોનાં ચરિત્રોના ગુજરાતી અનુવાદકોનો અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી ર્માનંદ કોસામ્બીના 'બુદ્ધ-લીલા-સારસંગ્રહ' અને 'બુદ્ધ, ધર્મ અને સંઘ'નો ઋણી છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત 'ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' ને આધારે છે અને ઈશુ માટે 'બાઈબલ'નો ઉપયોગ કર્યો છે.


રામ નવમી
સં ૧૯૭૯
}
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા