આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મહાભિનિષ્ક્રમણ


મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શીયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતાં, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સંભાળી કાલક્રમણ કરતો. બીજાઓને ત્યાં સેવકોને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં દાસદાસીઓને ઉત્તમ ભાત અપાતો હતો."


વિવેક

૪. આ રીતે એનો યુવાકાળ ચાલ્યો જતો હતો. પણ આટલા એશઆરામમાં યે સિદ્ધાર્થનું ચિત્ત ચોક્કસ હતું. બાળપણથી જ એ વિચારશીલ અને એકાગ્ર ચિત્તવાળો હતો. જે નજરે પડે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એની ઉપર અત્યન્ત વિચાર કરવો, એવો એનો સહજ સ્વભાવ હતો. સદૈવ વિચારમાં જાગ્રત રહ્યા વિના કયા પુરુષે મહત્તા મેળવી છે ? અને કયો પ્રસંગ એવો તુચ્છ હોઈ શકે કે જે સદૈવ વિચારશીલ પુરુષનાં જીવનમાં અદ્‍ભૂત ફેરફાર કરી મુકવા સમર્થ ન થાય ?*[૧]



  1. *પાછળ 'સિદ્ધાર્થનો વિવેક' એ નોંધ જૂઓ.