આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


વિચારો

૫.સિદ્ધાર્થ જુવાની કેવળ ભોગવતો જ ન હતો, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને તેના અન્તમાં શું, એ વિચારતો પણ હતો. એશઆરામ ભોગવતો હતો એટલું જ નહિ, પણ એશઆરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુ:ખ કેટલું, એ ભોગનો સમય કેટલો, એનો વિચાર પણ કરતો હતો. એના વિચારો આ પ્રમાણે હતા :-

"આવી સંપત્તિનો ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે ઘડપણના સપાટામાં આવવાનો છે તોપણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું ઘડપણના ફાંસામાં ફસાવાનો છું, માટે જો સામાન્ય મનુષ્યની જેમ જરાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારને લીધે મારી જુવાનીનો મદ સમૂળગો જતો રહ્યો.

અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે