આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તપશ્ચર્યા

.

પૂનેમને દિવસે એમને પ્રથમ જ્ઞાન સ્ફુર્યું માટે એ જ દિવસે બુદ્ધજયન્તિ મનાય છે. કેટલાએક દિવસો સુધી એમણે ફરીફરીને પોતાને સ્ફુરેલાં જ્ઞાન પર વિચાર કર્યો. જ્યારે સર્વ સંશયોની નિવૃત્તિ થઈ ગઈ અને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનની યથાર્થ પ્રતીતિ થઈ, ત્યારે પોતે શોધેલું સત્ય જગતને બતાવી પોતાની શાન્તિમાં જગતને ભાગીદાર કરવા એમની જગત પ્રત્યેની મિત્રત્વ અને કારુણ્યની વૃત્તિએ એમને પ્રેર્યા.*[૧]



  1. *ટીપ : બૌદ્ધ ગ્રન્થોમાં લખ્યું છે કે બ્રહ્મદેવે એમને જગદુદ્ધાર કરવા પ્રેર્યા. પણ મૈત્રી, કરુણા, મુદિતા (પુણ્યશાળી લોકોને જોઇને આનંદ અને પૂજ્યતાની વૃત્તિ) અને ઉપેક્ષા (હઠપૂર્વક પાપમાં રહેનાર પ્રત્યે) એ ચાર ભાવનાઓને જ બુદ્ધધર્મમાં બ્રહ્મવિહાર કહ્યો છે; એટલે રૂપકને તોડી સાદી ભાષામાં જ ઉપર સમજાવ્યું છે. ચતુર્મુખ બ્રહ્મદેવની કલ્પનાને વૈદિક ગ્રન્થોમાં અનેક રીતે સમજાવી છે તેમ આ બીજી સમજુતી છે. સાદી વસ્તુને સાદા રૂપમાં ન કહેતાં કવિઓ રૂપકોમાં કહે છે. કાળાન્તરે રૂપકનો અર્થ ભૂંસાઈ જાય છે, સામાન્ય જનો રૂપકને જ સત્ય માની પૂજે છે અને નવો કવિ પોતાની કલ્પના દોડાવી એ રૂપક ઉપર પોતાને રુચે એવો અર્થ બેસાડે છે, છતાં રૂપકને રાખી જ મૂકે છે અને રૂપકને રૂપકનાં રૂપમાં પૂજવાનું છોડતો નથી. મારામાં કાવ્યવૃત્તિ કમતી છે એ આરોપને સ્વીકારીને પણ મારે કહેવું જોઇયે કે મને આ પરોક્ષપૂજા રુચતી નથી. અનેક સાદા જનોને ભ્રમણાઓમાં નાંખવાનો આ સીધો રસ્તો છે. આ પ્રત્યક્ષ ભૌતિક માયા કરતાં શાસ્ત્રીઓ અને કવિઓની વાઙ્ માયા વધારે વિકટ હોય છે.