આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

ખરાબ વિચાર પણ મનમાં લાવતી નથી તે દાસી સમાન પત્ની છે.

સર્વ વર્ણની
સમાનતા

૬. બુદ્ધ વર્ણના અભિમાનને માનતા નહિ. સર્વ વર્ણને મોક્ષનો અધિકાર છે. વર્ણનું શ્રેષ્ઠત્વ ઠરાવવાનું સ્વતઃસિદ્ધ પ્રમાણ કયું એમ એ પૂછતા. જો ક્ષત્રિયાદિક વર્ણો પાપ કરે તો તે નરકમાં જાય, અને બ્રાહ્મણાદિક પાપ કરે તો ન જાય? જો બ્રાહ્મણ પુણ્ય કર્મ કરે તો તે સ્વર્ગમાં જાય અને ક્ષત્રિયાદિક કરે તો તે ન જાય ? બ્રાહ્મણ રાગદ્વેષાદિકથી રહિત થઇ જગત પ્રત્યે મિત્રભાવના કરી શકે, અને ક્ષત્રિયાદિક ન કરી શકે ? એ સર્વે વિષયમાં ચારે વર્ણનો સરખો અધિકાર છે એ સ્પષ્ટ છે.

વળી એક બ્રાહ્મણ નિરક્ષર હોય અને બીજો વિદ્વાન હોય તો યજ્ઞાદિકમાં કોને પ્રથમ આમંત્રણ કરવામાં આવશે ? તમે કહેશો જે વિદ્વાનને : ત્યારે વિદ્વત્તા એ પૂજનીય થઇ અને જાતિ તે નહિ.

પણ જો વિદ્વાન બ્રાહ્મણ શીલરહિત, દુરાચારી હોય અને નિરક્ષર બ્રાહ્મણ અત્યંત શીલવાન હોય તો કોને પૂજ્ય ગણશો ? ઉત્તર સ્પષ્ટ છે કે શીલવાનને.
૩૩