આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

છે તેને આપે બી વગેરે પૂરાં પાડવાં; જે વ્યાપાર કરવા ઇચ્છે છે તેને મુડી પૂરી પાડવી; જે સરકારી નોકરી કરવા ઇચ્છે છે તેને યોગ્ય વેતન આપી યોગ્ય કામ પર તેની નીમણુક કરવી. આવી રીતે સર્વ લોકોને તેમને યોગ્ય કામ મળવાથી એ લોકો તોફાન નહિ કરે. વખતસર કર મળવાથી આપની તીજોરી તર થશે. લૂંટફાટનો ભય ન રહેવાથી લોક બાળબચ્ચાંના કોડ પૂરા પાડી ઉઘાડા દરવાજા રાખી આનંદથી સુઇ શકશે.'

રાજાને પુરોહિતનો વિચાર બહુજ ગમ્યો. એણે તુર્ત જ એ પ્રમાણે વ્યવસ્થા કરી. આને લીધે થોડા કાળમાં રાજ્યમાં સમૃદ્ધિ વધી ગઈ. લોકો અતિ આનંદથી રહેવા લાગ્યા.

એટલે વળી રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું, 'હે પુરોહિત, હવે મને મહાયજ્ઞ કરવાની ઇચ્છા છે, માટે મને યોગ્ય સલાહ આપો.'

પુરોહિત બોલ્યો, 'મહાયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યા પહેલાં આપણે પ્રજાની અનુમતિ લેવી યોગ્ય છે. માટે જાહેરનામાં ચોંટાડી આપણે પ્રજાની સંમતિ મેળવીયે એ ઠીક છે.'

૩૬