આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

કેટલાક શિષ્યો

૧૧. એ ઉપદેશથી પુરુષો અને સ્ત્રીઓનાં ચારિત્ર ઘડાતાં. તે એક બે વાતો પરથી ઠીક સમજાશે.


૧૨. પૂર્ણ નામે એક શિષ્યને પોતાનો ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પુછ્યું, "પૂર્ણ, હવે તું કયા પ્રદેશમાં જ‌ઇશ ?"

પૂર્ણ-ભગવન્‌, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરન્ત ( નામના ) પ્રદેશમાં જનાર છું.

બુદ્ધ-પૂર્ણ, સુનાપરન્ત પ્રાન્તના લોકો અતિ કઠોર છે, બહુ ક્રૂર છે; તે જ્યારે તને ગાળો દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે ?

પૂર્ણ-તે વખતે હે ભગવન્‌, હું માનીશ કે આ લોકો બહુ સારા છે, કારણકે તેઓએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યો નથી.

બુદ્ધ-અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યો તો ?

પૂર્ણ-મને તેઓએ પથ્થરથી માર્યો નહિ, તેથી તે લોકો સારા જ છે એમ હું સમજીશ.

બુદ્ધ-અને પથરાઓથી માર્યો તો ?

૪૪