આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૃદ્ગત


આથી કરીને મારી ઇચ્છા પણ જણાવી દઉં. આ પુસ્તકની હજારો નકલ ખપી જાય, અને એની આવૃત્તિઓ કાઢતાં છાપખાનાવાળાઓ થાકે જ નહિ, એ ઉપરથી હું એ પુસ્તકની પ્રજાએ કરેલી કિમ્મતનો આંક નથી બાંધતો. હું કેટલાં પુસ્તકો કબાટમાં ભરૂં છું, કેટલાંક ઉપર આંખો દોડાવી જાઉં છું, કેટલાંને સ્મૃતિપટમાં કેટલોક સમય સુધી ઉતરી નાંખુ છું અને કેટલાને જીવન સાથે વણી આંખું છું, તે જાણું છું. જેટલાં હૃદયમાં કોઈ પુસ્તકના ભાવો કોતરાઇ જાય છે એટલી જ એની નકલો ખપી જાય છે. એમ હું માનું છું. બીજી નકલોનો ઉઠાવ લોકોનાં કબાટોને કાગળોથી ભરવાવાળો અને છાપખાનાંવાળાની તિજોરીને નોટોથી ભરવાવાળો હોઇ, અને કદાપિ આંખો અને સ્મૃતિને પણ ભાર રૂપ હોઇ, તેની મને કિમ્મત નથી લાગતી.

જે ભાવનાઓથી પ્રેરાઇને આ લખ્યું છે તથા જે ભાવનાઓથી પ્રેરાઇને આ ચરિત્ર-નાયકોની જીવના-લીલા રમાઇ ગઇ તે ભાવનાઓનો ઉત્કર્ષ થાઓ (ૐ शांति) :

સત્યાગ્રહાશ્રમ
સા બ ર મ તી
}
:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા