આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ


પા૦ ૧૩: સમાધિ- આ શબ્દથી સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે પ્રાણને રોકી દઇને લાંબોવખત સુધી શબવત્ રહેવું તે. અમુક એક વસ્તુ અથવા વિચારની ભાવના કરતાં કરતાં એવી સ્થિતિ થઇ જાય કે જેમાં દેહનું ભાન ન રહે, શ્વાચ્છોશ્વાસ ધીમો અથવા બંધ પડી જાય અને કેવળ એ વસ્તુ અથવા વિચારનું જ દર્શન થાય. એને સમાધિ શબ્દથી ઓળખવામાં આવે છે.

ઉપર કહેલી સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગને હઠયોગ કહે છે. સિદ્ધાર્થે કાલામ અને ઉદ્રક દ્વારા આ હઠયોગની સમાધિ પ્રાપ્ત કરી હોય એમ માલુમ પડે છે. આવા પ્રકારની સમાધિથી સમાધિકાળમાં સુખ અને શાન્તિ હોય છે. એ ઉતરી જાય એટલે જેવા બીજા માણસ તેવો જ એ.

પણ સમાધિ શબ્દ આ એક જ અર્થમાં વપરાતો નથી. અને સિદ્ધાર્થે પોતે જે સમાધિયોગની પોતાના શિષ્યને ભલામણ કરી છે, એ આ હઠયોગની સમાધિ નહિ. જે વસ્તુ અથવા ભાવનાની સાથે ચિત્ત એવું તદ્રૂપ થઇ ગયું હોય કે એના સિવાય એ બીજું કશું દેખ્યા છતાં લેખી જ શકે નહિ અથવા સર્વત્ર એને જ જુએ; તે વિષયમાં ચિત્તની સમાધિદશા કહેવાય. મનુષ્યની જે સ્થિર ભાવના કરતાં એ કદી નીચે ઉતરતો ન હોય, તે ભાવનામાં એની સમાધિ છે એમ સમજવું. સમાધિ શબ્દનો ધાત્વર્થ પણ આ જ છે. ઉદાહરણથી આ વિશેષ સમજાશે.
૬૫