આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફળ આપનારી નથી. એવા પ્રકારના સમાધિલાભ માટે બૌદ્ધ ગ્રન્થોમાં ઘણી સુંદર સૂચનાઓ છે.

પા૦ ૨૦ : સમાજસ્થિતિ- ખરૂં જોતાં, પ્રત્યેક કાળમાં ત્રણ જાતના માણસો હોય છે. એક પ્રત્યક્ષ નાશવંત જગતને ભોગવવાની તૃષ્ણાવાળા; બીજા મરણ પછી એવા જ પણ કાલ્પનિક હોવાથી વિશેષ રમ્ય લાગતા જગતને ભોગવવાની તૃષ્ણાવાળા; (એ કાલ્પનિક ભોગો માટે કાલ્પનિક દેવોની અથવા ભૂતકાળમાં થઇ ગયેલા પુરુષોને કલ્પનાથી પોતા કરતાં વિજાતીય સ્વરૂપ આપીને તેની ઉપાસના કરે છે.) ત્રીજા મોક્ષની વાસનાવાળા - એટલે પ્રત્યક્ષ સુખદુઃખ, હર્ષશોકમાંથી મુક્તિ ઇચ્છવાવાળા નહિ, પણ જન્મમરણની ઘટમાળમાંથી નિવૃત્ત થવાની ઇચ્છાવાળા.

એથી ચોથા સંત પુરુષો પ્રત્યક્ષ જગતમાંથી ભોગ ભાવનાનો નાશ કરી, તેમજ મરણ પછી ભોગ ભોગવવાની ઇચ્છાનો પણ નાશ કરી, તથા જન્મમરણની પરંપરાના ભયથી ઉત્પન્ન થતી મોક્ષવાસનાને પણ છોડી, જે સ્થિતિમાં જે સમયે હોય તે સ્થિતિને શાન્તિ પૂર્વક ધારાણ કરવાવાળા હોય છે. એ પણ પ્રત્યક્ષને જ પૂજવાવાળા છે, પણ એમાં એમને ભોગવૃત્તિ નથી; કેવળ મૈત્રી, કરુણા કે મુદિતાની જ વૃત્તિથી એ પ્રત્યક્ષ ગુરુ અને ભૂત-પ્રાણીને પૂજે છે.

આ પ્રત્યેક ઉપાસનામાંથી મનુષ્યને પસાર થવું પડે છે. કેટલા વખત સુધી એ એક જ ભૂમિકામાં ટકે એ એની વિવેકદશા ઉપર અવલંબી રહે છે.