આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૦૩
 

સરકારી અધિકારીની સલાહ વગર. ગાડી હાંકી જતા પતિએ પત્નીની ઈચ્છા અનુસાર તેને તેના ભાઈને ઘેર થોડા કલાક મૂકી આવવા નિશ્વય કર્યો. ત્યાંથી સ્ટેશને જઈ ભાડું મેળવવાની પણ તજવીજ કરવાની હતી. નૂરબાઈએ મા સાથે જવાની ચોખ્ખી ના પાડી - કારણ મામાને ઘેરથી આવતી વખતે પગે ચાલવાનું હતું, અને મેનામા દેવનો પ્રસાદ તૈયાર કરતાં હતાં તે નૂરબાઈને સહુથી પહેલો મળવાનો હતો.

આમ મેનામાને બાળકો સોંપી મરિયમ ઘણીયે વાર દૂધ આપવા અગર બજાર ખરીદી કરવા જતી હતી. એટલે નૂરબાઈને મૂકી આખું કુટુંબ ચાલ્યું ગયું. પરંતુ સાંજે એ કુટુંબને પાછા આવવું સલામત ન રહ્યું. ગામમાં તોફાન ફેલાયું છે એમ મેનામાને ખબર પણ થઈ ગઈ. મરિયમનું ઘર લુંટવા કે બાળવા રાત્રે હિંદુ યોદ્ધાઓએ પ્રયત્ન કર્યો હતો; પરંતુ ઘરમાં કોઈ ન હોવાથી અને મેનામાની બૂમાબૂમથી લોકોએ પોતાનું કાર્ય મુલતવી રાખી બીજે સ્થળે વીરત્વ દર્શાવ્યું. બ્રાહ્મણ મેનામાએ મુસ્લિમ નૂરબાઈને પોતાની ભેગી સુવાડી દીધી.

પરંતુ મા વગર નૂરબાઈ એક રાત કરતાં વધારે લાંબો ગાળો રહી શકે એમ ન હતું. શહેરમાં તોફાન હોવાની ખબર એ બાળકીને પણ પડી અને હિંદુઓ તથા મુસલમાનો પરસ્પર કાપાકાપી કરી રહ્યા છે તેની અસ્પષ્ટ તથા ભયાનક છાપ તેના મન ઉપર પણ પડી.

‘મારે મા પાસે જવું છે !’ નૂરબાઈ જીદ લેઈને બેઠી અને રડવા લાગી. અંતે મેનામાને લાગ્યું કે નૂરબાઈને વધારે વાર રાખી શકાશે નહિ. ઈશ્વરનું નામ દેઈ તેઓ ઊઠતાં અને નૂરબાઈને સાથે લેઈ બહાર નીકળ્યાં. મિલનો માર્ગ તેમનો જાણીતો હતો.

મહોલ્લો સૂમસામ હતો. છજેથી લોકો બહાર નજર નાખ્યા કરતા હતા; કોઈ કોઈ માણસો ફરતા હતા, પરંતુ તે ઉતાવળમાં.

‘મહોલ્લામાં મરદો વસે છે કે બધાય બાયાંબાઈ છે ? અલ્યા બંગડીઓ પહેરો, બંગડીઓ !’

મેનામાનો વૃદ્ધ પણ સહુને સંભળાય એવો સ્પષ્ટ અવાજ ચારે પાસ ફેલાયો. હિંદુ અને મુસલમાન લઢે છે એ પ્રશ્રમાં તેમને સમજ પડતી ન હતી. પરંતુ ગમે તે લઢતા હોય, ઘરમાં પેસી રહેવાય જ કેમ ? તેમને પોતાના જૂના ગામડાના દિવસો યાદ આવતા હતા. કોળી, પીંઢારા કે મિયાણા પણ તેમને ગામે ધાડ પાડી શકતા નહિ. ઈંટો અને સાંબેલાં લેઈ ગામડાની સ્ત્રીઓ પણ ધાડપાડુઓનો સામનો કરવા તૈયાર રહેતી. પાંચસો પુરુષોનો મહોલો આમ ખાલી ખમ દેખાય તે એમનાથી વેઠાયું નહિ.