આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮: છાયાનટ
 

ખૂન આગ ચાલતાં હોય ત્યારે બંને સાથે એકાદ હોટલમાં ચા-બિસ્કિટ ખાતા બેઠા હોય. બંનેએ સંતલસ કરીને જ આ તોફાનોમાં ભાગ લીધો હતો.

છતાં ધર્મઉગ્રતા આવાં તોફાનોમાં પણ ક્વચિત્ આગળ તરી આવતી. મુસલમાન કેટલા મર્યા એની ખાતરી કીસન પહેલવાન કરતો અને હિંદુઓ કેટલા મર્યા તેની ખાતરી કાસમ પહેલવાન કરતો.

એ આ વખતના ઝઘડામાં જ બન્યું. બાકી કીસન અને કાસમ પોતપોતાના ધર્મોં ભૂલી ગયા હતા.

હિંદુ એકલો હોય તો મુસલમાનોને મારતાં ફાવે, મુસલમાન એકલો હોય તો હિંદુને મારતાં ફાવે. પરંતુ હિંદુ અને મુસલમાન એકબીજાને કોટી કરી ઊભા હોય તો ? બંને એકબીજાથી છૂટા પડતા ન હોય તો ? આ પરિસ્થિતિ તોફાનીઓને પણ ગૂંચવનારી થઈ પડી.

તેમાં એક વૃદ્ધ સ્ત્રી અને બીજી બાલિકા ! બચ્ચાં અને બુઢ્ઢાંને મારતાં રાક્ષસો પણ શરમાય છે. તેમાંયે સ્ત્રીને મારતાં ઉપનિષદ્ અને કુરાનની સંસ્કૃતિનો ખાલી પડઘો પણ હિંદુ કે મુસ્લિમ કહેવરાવતા રાક્ષસને જરા રોકે છે - અલબત્ત જરા.

વળી રાક્ષસોએ આવાં તોફાનમાં હાથ મિલાવ્યા હોય ત્યારે મુશ્કેલી વધી જાય.

કાસમ જરા અટક્યો. કીસનને ખાતરી હતી કે કાસમ અટકશે.

મોડી મોડી પોલીસની ટુકડી દૂરથી આવતી દેખાઈ. પોલીસ વગર, રાજસત્તા વગર પ્રજા કેવી નિરાધાર બની જાય છે તેના દૃષ્ટાંતો આપી, પ્રજાને પોતાની શક્તિ ઉપર અવિશ્વાસ ઊભો કરાવી. રાજકીય હક્ક માગતાં અટકાવવાના પ્રયોગ તરીકે આવાં હુલ્લડો ઊભાં કરાય છે, અને તેમાંથી ઊપજતી આફતો પ્રત્યે આંખ મિચામણાં થાય છે, એમ ટીકા કરનાર ચળવળિયાઓ સત્તાના ઈશ્વરી અંશને ઓળખતા નથી. ઈશ્વર પણ ધરતીકંપ, જ્વાળામુખી, અતિવૃષ્ટિ, ઝંઝાવાત અને છેવટે રોગ વડે માનવજાતને દૈવી સત્તાનું ભાન કરાવે છે ! માનુષી સત્તામાં આમ બને તો તેમાં ઈશ્વરને પગલે પગ મૂકવાનું સત્ અનુકરણ માત્ર થાય છે ! એમાં ખોટું શું ?

તોફાન કરી રહેલા બેવકૂફોને તો દંડ અને દંડા જ પડે છે - લાભ થાય છે માત્ર એ બેવકૂફીના ડાહ્યા આગેવાનોને જ - જેમની છૂપી પ્રેરણા આવાં હુલ્લડોને ભૌતિક તથા આધ્યાત્મિક સાધનો વડે જ સજ્જ રાખે છે !