આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨: છાયાનટ
 


વધારેમાં વધારે મહેરબાની કરવાની હોય તો એટલું જ કે ભગવાનદાસ શેઠ જામીન થાય અને ગૌતમ એ આધારે છૂટે.

નહિ તો એ ને સીધો જ પોલીસ ચૉકીમાં લેઈ જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ચૂક્યો હતો.

'હા હા; અમે જામીન થઈશું.’ મિત્રાએ કહ્યું. જોકે ભગવાનદાસને એ જંજાળમાં પડવાની જરાય ઈચ્છા ન હતી. ગૌતમ ભલે ઉપયોગી નીવડ્યો હોય, પરંતુ એ અજાણ્યો તો હતો જ. અને એ હાજર ન થાય તો નિરર્થક પાંચસો હજારના ખાડામાં ઊતરવાનું જરાય વ્યવહારુ ગણાય નહિ.

અને... અને... ગૌતમે ઘર બચાવ્યું એ ખરું, પરંતુ તે તો કીસન જેવાના ઓળખાણ ઉપરથી જ ને ? ગુંડાના ઓળખીતાનો ભરોસો શો ?

પરંતુ મિત્રાનો આગ્રહ ભારે હતો, અને પોલીસ અમલદાર આગળ ગૌતમનાં વખાણ તેઓ કરી ચૂક્યા હતા. અમલદારે પણ તેમને આગ્રહ કર્યો.

‘ચારપાંચ દિવસમાં હુલ્લડ શમી જશે અને તરત અમે કેસ હાથ લેઈશું.’

'આ ભાઈ રહે છે તો તમારે ત્યાં જ ને ?' અમલદારે પૂછ્યું.

‘હા, જી. મિત્રાએ જવાબ આપ્યો. ના કહેવા જતા પિતાને અટકાવીને. ‘પછી એમાં હરકત નથી. જામીનકતબો હમણાં કરાવી લેઈશું.' અમલદારે રાહત આપી, જે ભગવાનદાસને બહુ ગમી નહિ.

બે દિવસથી રોકાઈ રહેલી નિશાને પણ અમલદારની સાથે તેને ઘેર મોકલી દેવાની વ્યવસ્થા મિત્રાએ કરી.

અને આ કશું જ ગૌતમને ફાવ્યું નહિ ! સહજ આશ્રય આપનારને એ ભારણરૂપ બની જતો હતો !

પરંતુ ભારણરૂપ ન બને તો એને જવા માટે બે જ સ્થળ હતાં; પોલીસચૉકી અગર ફૂટપાથ.

ત્રીજું સ્થળ પિતાનું ઘર ! દેશની મુક્તિ શોધતો એક સાચો યુવક આજ સહુને ભારણરૂપ થઈ પડ્યો હતો !

ભારણરૂપ થઈને અટક્યો હોત તો તો હજી ઠીક હતું; આ તો ગુનેગારની યાદીમાં દાખલ થઈ ગયો !

ગુનો પણ દેશ અર્થે કર્યો હોત તો શિક્ષામાં પણ સંતોષ થાત. આ તો