આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


બહુ જ થોડા દિવસના અનુભવમાં તેણે જીવનની મહા ભયંકર બાજુ જોઈ નાખી. જીવનના ધીકતા જ્વાળામુખી સમક્ષ એ કેટલાય દિવસથી રમત રમતો હતો ! સત્તા, ઝનૂન, ભૂખ, વાસના, ગરીબી અને નફટાઈ સરખી મહાભયાનક જીવનવિકૃતિઓને અનુભવતો ગૌતમ પુસ્તકોએ કલ્પના રૂપે બતાવેલા સત્યોનો આજ સાચો સ્પર્શ કરી રહ્યો હતો !

પ્રિન્સિપાલની માફી માગી હોત તો ? કૉલેજમાં તે પ્રથમ માફક ફરતો હોત.

ઘાયલ યુવકને છોડી જતા ટોળા ઉપર તિરસ્કાર વરસાવતો ગૌતમ સારવાર કરવાને બદલે ટોળા ભેગો ભળી ગયો હોત તો ? પોલીસ તેને ખૂની કહેવાની હિંમત ન કરત.

એક વૃદ્ધા અને એક બાળકીને બચાવવાનો પ્રયત્ન કરતાં છરી ઉઘાડીને ટોળા સામે એ ઊભો રહ્યો ન હોત તો ? તેના ઉપર પોલીસ કેસ ન થાત અને તેને જામીન આપવાનો અણધાર્યો પ્રસંગ આવત નહિ.

મિત્રાના પ્રેમને તેણે ઝડપી લીધો હોત તો ? મિત્રાનાં માતાપિતા જખ મારીને તેને અપનાવી લેત, અને પોતાના વૈભવમાં તેને સારો ભાગ આપત. ડાહ્યા, શાણા, ઠરેલ યુવકો તેણે જે ન કર્યું એ બધું જ કરત ! અને સુખી થાત ! શાણપણ ન વાપરનાર ગૌતમ અત્યારે મધરાતે વરસતા વરસાદમાં એક માનવપશુની ઝૂંપડીમાં પશુતાનો સાક્ષાત્કાર કરતો હતો ! શા માટે ?

જીવનનો જ્વાલામુખી જોવા માટે. પણ જ્વાલામુખીની જ્વાલામાંથી આ કયી સૃષ્ટિ ઊઘડતી હતી ?

ના ના જ્વાલામુખી તો શાંત થતો હતો. એની ઝૂંપડી તો માત્ર જગતનાટકના એક દૃશ્યનો નાનો સરખો ટુકડો હતો. એ ઝૂંપડી પણ સુદામાની ઝૂંપડી માફક અદૃશ્ય થઈ ગઈ અને તેને સ્થાને એક ભવ્ય મહેલાત ઊભી થતી હતી. શું તેનું સ્વપ્ન સાચું પડતું હતું ? હિંદની ઝૂંપડીઓ ઊડી ગઈ ? અને ગરીબો મહેલોમાં વસતા થઈ ગયા ?

નહિ ! આ મહેલમાં હજી ગભરાયલા નોકરો અને નોકરડીઓ દોડે છે ! રાજવંશી ઠાઠ બધોય ત્યાં પ્રદર્શિત થયો છે. છડીદારો ઊભા છે,