આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૩૯
 


‘તું કદાચ મને ખપ લાગે.’

'કેવી રીતે ?'

‘એક વર્તમાનપત્ર હાથ કર્યું છે. તું જોડાઈશ એમાં ?'

'કેવી રીતે ?'

‘હું કહું તે પ્રમાણે લખવું.’

‘એ મારા મતવિરુદ્ધ હોય તો ?'

‘હમણાં એવું નહિ થાય.'

‘એટલે ?'

‘પ્રજાપક્ષનાં વખાણ કરવાનાં છે અને કેટલાક આગેવાનોને ખુલ્લા પાડવા છે.'

‘શું કહો છો ? તમે પત્ર કાઢશો ?’

‘હા. અને તારે જેને છોલવા હોય તેને છોલજે.'

રાજ્યનો ચોથો સ્તંભ તે વર્તમાનપત્ર, એ સ્તંભ પણ આમ દોદળો બનવાનો ? ચારેપાસ નામર્દાઈ ! ચારેપાસ ઈર્ષ્યા ! ચારેપાસ ગુંડાગીરી ! સેવા ખાતર લીધેલી ઝોળી ખોલીએ તેમાં પણ એ જ ?

એક સરઘસ આવતું દેખાયું. લગ્નસરઘસ નહિ. મૃત્યુસરઘસ. ઘવાયલા કોઈ યુવાનનું મૃત્યુ થતાં તેને સ્મશાને લઈ જતા હતા. પોલીસ ટુકડી સાથમાં હતી. કોઈ પિતા, કોઈ ભાઈ રડતા હતા. માણસો ઘણા જ થોડા હતા. મૃત્યુ બંને કોમો વચ્ચે વૈમનસ્ય વધારે તો મૃત્યુ એ પણ છૂપું જ રહેવું જોઈએ.

થોડાં કૂતરાં અને થોડાં બાળકો પણ એ સરઘસની પાછળ દોડતાં હતાં. મહામુશ્કેલીએ ઠાઠડીનો સામાન મળ્યો. મરનારને ઠાઠડી તો મળે : જીવતાં જે ગતિ હોય તે ખરી. પરંતુ નિદાન મૃત્યુ પછી પણ એને શાંતિ મળે એવી શ્રદ્ધાએ એક કંદોઈની બંધ દુકાન મહામુશ્કેલીએ પોલીસરક્ષણ નીચે ઉઘડાવી મરનારના સ્નેહીઓએ જલેબી વેચાતી લીધી હતી. એ જલેબી સ્મશાનિયા પાછળ દોડતા કૂતરાં અને માનવબાળકો તરફ ફેંકવામાં આવતી હતી - કૂતરાં અને માનવ બાળકો વચ્ચે જમીન ઉપર રગદોળાયલી, વરસાદના કાદવવાળી મીઠાઈ માટે ખેંચાખેંચી પણ ચાલતી હતી. કૂતરાંની દોડ કરતાં આ બાળકોની દોડ ઓછી ન હતી, અને ક્વચિત્ પશુ અને માનવબાળકો વચ્ચે ઝપાઝપી પણ ચાલતી હતી. એકબે વખત તો કૂતરાના મુખમાં અડધી ગયેલી જલેબી ખેંચી કાઢીને પણ બાળકો મીઠાઈની તૃપ્તિ મેળવતાં હતાં.