આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮: છાયાનટ
 


‘તું જે રાખે છે તે એથી વધારે ભયંકર છે !’

'હથિયાર એકેય નથી. હું તો લાકડી પણ રાખતો નથી.’

‘જેની મના થઈ છે એવી ચોપડીઓ તું રાખે છે.’

‘કયી ?’

‘રશિયાની-સામ્યવાદની.’

‘સાહેબ ! કૉલેજમાં સામ્યવાદના સિદ્ધાંતો શીખવાય, સામ્યવાદી રાજબંધારણનો અભ્યાસ થાય, અને આપણા જ રાજકર્તાઓ સામ્યવાદી રશિયા સાથે મૈત્રીના કરારો કરે ! છતાં અમારાથી એ સંબંધનાં પુસ્તકો પણ ન વંચાય ?'

પ્રિન્સિપાલે પોલીસ અમલદાર સામે જોઈ ગૌતમ તરફ નજર કરી જવાબ આપ્યો :

‘તારી સાથે દલીલ કરવા આ લોકો આવ્યા નથી. તારી ઓરડી તપાસવાનો હુકમ લઈ આવેલા છે.'

'તે ભલે ઓરડી તપાસે. પણ આપે આ સવારના પહોરમાં શા માટે તકલીફ લીધી ?’

‘મારી તકલીફ મારી પાસે રહેવા દે, અને બારણા વચ્ચેથી ખસી જા.' ગૌતમ ઓરડીની બહાર આવ્યો અને પ્રિન્સિપાલ તથા પોલીસ અમલદાર ઓરડીની અંદર ગયા. કૉલેજના વિદ્યાર્થીઓએ તોફાન કરી પોલીસને હેરાન કર્યાનાં વર્ષો પહેલાં બનેલા પ્રસંગે ગોરા પ્રિન્સિપાલે એક પણ વિદ્યાર્થીને ઊની આાંચ ન આવે એવી ઝડપી વ્યવસ્થા કરી દીધી હતી, અને પોલીસના એક પણ માણસને કૉલેજમાં પેસવા દીધો ન હતો. વિદ્યાર્થીઓનો તે જાણીતો બનાવ હતો. આજ એક દેશી પ્રિન્સિપાલ પોતે થઈ એક વિદ્યાર્થીની ઓરડીની ઝડતી પોલીસ પાસે લેવડાવતા હતા. દેશી અમલદારોની વફાદારી ગોરાઓ કરતાં પણ વધારે તીવ્ર હોય છે. ગોરો રાજઅમલ આવા કૈંક મજબૂત કાળાસ્તંભો ઉપર અવલંબન રાખી રહ્યો હતો !

રશિયા, કમ્યુનિઝમ[૧] અને સોશ્યાલિઝમને[૨] લગતાં થોડાં પુસ્તકો ગૌતમના મેજ ઉપર પડ્યાં હતાં તે પોલીસે ઝડપી લીધાં. તેની પેટી પણ તેમણે ઊલટપાલટ કરી. ગુજરાતી સાહિત્યને ગૌતમ બહુ ગણકારતો નહિ. જગતની એકતા ઈચ્છનાર - જગતને એક બનાવવા મથતા પાશ્ચિમાત્ય વિસ્તૃત સાહિત્યને ઓળખનાર - ગૌતમ, પુસ્તકની હજાર


  1. ૧. સામ્યવાદ.
  2. ૨. સમાજવાદ.