આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮: છાયાનટ
 

બોલાવ અહીં તારા પ્રભુને ! અને પૂછ કે અમારામાં સાચો ગુનેગાર એક પણ છે ખરો ?’

‘પ્રભુ તે એમ આવે ?’

‘ખોટા પકડાયલાને છોડાવવા પ્રભુ ન આવે તો એ પ્રભુ અમારે જોઈએ નહિ.’

'નાસ્તિકતા.'

‘ચૂપ, બદમાશ ! જો પ્રભુનું કે ચારિત્ર્યનું નામ દેઈ ફરી આવ્યો છે તો તારું માથું ધડ ઉપર નહિ રહે ! પ્રભુનો ચમત્કાર હું જ તને પહેલો બતાવીશ ! પ્રભુ !’ કહી ગૌતમ પોતાના હાથનું ટમ્બલર ઉપદેશક તરફ ફેંકવાનો ચાળો કર્યો.

બેચાર ગુનેગારોએ તેને પકડી લીધો. ચારેપાસ ધાંધળ થઈ ગયું. ઉપદેશક પ્રભુને શોધવા માટે દોડાદોડી કરવા મંડી પડ્યા. વૉર્ડરોએ આવી ગૌતમનો કબજો લીધો. તોફાન કરવા માટે ગૌતમને સજા થઈ અને એકાંત કોટડી તથા તોફાની કેદીની ટોપી તેને મળી. તે સાંજનો ખોરાક તેને ન મળ્યો. ગૌતમનો ક્રોધ ઓસર્યો નહિ. ચારેપાસ ભયાનક એકાંત હતું. જગત તેને ભચડી ભીંસીને એક અંધારી કોટડીમાં કચરી નાખતું હતું. સાથેની ઓરડીઓ પણ ખાલી હતી. એકાએક કોટડીના સળિયા ગૌતમે હલાવી નાખ્યા. કોટડીની ભીંતે તેણે ઉપરાઉપરી લાત મુક્કા લગાવ્યા. જમીન ઉપરના પથ્થર ઉખાડી નાખવા માટે મંથન કર્યું, અને એ સર્વમાં નિષ્ફળ પ્રત્યાઘાત દેખાતાં તેણે એક મોટી ચીસ નાખી. ગૌતમને લાગ્યું કે તેના હૃદયનો એકાદ તાર તૂટે છે !

‘આખા જગતને તોડી નાખું ! જે દેખું તેનો ભુક્કો કરી નાખું !’ ગૌતમનું હૃદય બોલ્યું અને તેની કોટડી બહારથી તેણે એક માનવ અવાજ સાંભળ્યો :

‘એ... સુવર ! કેમ ચીસો પાડે ?... મરવાનો થયો શું ?’

ગૌતમના હૃદયનો ઉચાળો હલકો પડ્યો. તૂટતો તાર તંગ બની તૂટવાને બદલે પોતાના સ્થાનકે બેસી ગયો. ગાળ દેતો પણ માનવી પાસે છે એટલા વિચારે તેને સહજ શાતા વળી.

‘હું આમ એકલો પડીશ તો ઘેલો થઈ જઈશ.’ ગૌતમે કહ્યું.

‘ધેલો થઈશ તો ઘેલાની ઈસ્પિતાલ તારે માટે તૈયાર છે !’

માનવજાતમાં દયાના કેટકેટલા ધોધ વહેતા હશે ? માનવીને ઘેલો કરી મૂક્યા પછી વધારે ઘેલો બનાવવા એ ક્રૂર જાત ભ્રાંતચિત્તાલયો સ્થાપે