આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૫૯
 

છે !

ગૌતમ એકાએક સ્વસ્થ બન્યો. અંધારામાં તેણે આંખો સ્થિર કરી. ઘેલા ન બની જવાય માટે તેણે પોતાના શ્રદ્ધાના દિવસોમાં યાદ કરેલા ગીતાના એક શ્લોકને સંભાર્યોં.

प्रज्महाति यदा कामान् सर्वान् पाथे मनोगतान्
आत्मन्येवात्मनातुष्ठः स्थितप्रज्ञस्तदोच्यते ।

એ શ્લોકને તે મોટેથી બોલ્યો.

‘ચક્કરે ચઢ્યો ? લે આ થોડું ખાવાનું.' જાળી બહાર ઊભેલા માનવીએ કહ્યું.

‘ખાવાનું ન આપવું એવી મને સજા થઈ છે. હું લઈ શકું ?’

‘હવે ડાહ્યો થતો છાનોમાનો લે ને ? કાયદો પાળવા જઈશ તો મરી જઈશ !’ આવેલા માણસે કહ્યું.

એટલે જીવી શકે એ જ કે જે સફળતાપૂર્વક કાયદો તોડે ! ગૌતમે રોટલો અને વટાણા જાળીમાંથી હાથમાં લીધા.

‘જો હવે બૂમ નહિ પાડતો. ચાર દહાડા આામાં ગમે તેમ કરી કાઢી નાખ. પછી પાછો બધા ભેળો તને મૂકીશ. સમજ્યો ?’

સહજ દયાના અંશવાળો કોઈ વૉર્ડર આ સમજ પાડતો હતો. એકાન્ત કોટડી એટલે શું તેની એને ખબર હતી. કંઈક કેદીઓને આમ ગાંડા બની જતા તેણે જોયા હતા. તે પોતે પણ આવી એકાંત કોટડીનો અનુભવ કરી ચૂક્યો હતો, એટલે સહજ ખબર જોવા અને સજા થઈ છતાં થોડો ખોરાક આપવા તે કોટડી તરફ આવતો જ હતો. ગૌતમની ચીસ એ ઘેલછાની ચીસ હતી, એણે ચીસ ઓળખી અને ગૌતમના મનની કમાન છટકે તે પહેલાં તેણે માનવવાક્ય ઉચ્ચાર્યું.

‘મને શું થયું હશે ?’ ગૌતમે પૂછ્યું.

‘કેમ ? શું થયું ?’

'મને ચીસ પાડવાની જરાય મરજી ન હતી. છતાં કેમ ચીસ પડાઈ ગઈ?'

‘એ તો એમ થાય, સહુનેયે. માટે જ હું તારા ભણી આવતો હતો. હવે બૂમ ન મારતો, નહિ તો ફટકા પડશે.’ વૉર્ડર ચાલ્યો ગયો, કે આસપાસ ફરતો રહ્યો ? ભલે ગયો હોય.

ઘેલછાની ઘડી ચાલી ગઈ. ખરેખર ગૌતમને ભૂખ લાગી હતી. રોટલો તેને સ્વાદિષ્ટ લાગ્યો. વટાણા એથી પણ વધારે સ્વાદિષ્ટ લાગ્યા.