આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : છાયાનટ
 

રચાય !

એક ઉપાહારગૃહમાં જઈ એણે ક્ષુધાને શાંત પાડી. એમાં આસપાસ એણે નજર ફેંકી. કોઈ એનું ઓળખીતું દેખાયું નહિ. ઉપાહારગૃહ પણ નવું નીકળ્યું હતું. હિંદના હુન્નરઉદ્યોગોમાં હોટેલ એ ધીકતો ઉદ્યોગ છે !

બહાર નીકળી એણે શહેરમાં જાણીતી જગાઓ જોઈ લીધી. મિત્રાનો બંગલો જેવો અને તેવો હતો. દરવાનને પૂછ્યું :

‘મિત્રા છે કે ?'

'ના.'

‘શેઠસાહેબ ?’

‘અત્યારે નહિ મળે.

‘કેમ ?'

'બાબાની તબિયત સારી નથી.'

‘કોનો બાબો ?’

‘શેઠસાહેબનો.'

‘એમ ? એમને દીકરો ન હતો. ને ?’

‘ન હોય માટે થાય જ નહિ શું ? એ તો બીજી પત્નીનો.’

‘મિત્રાનાં માતા તો હશે જ ને ?’

‘તમે ભાઈ, બહુ વર્ષે આવતા લાગો છો.'

‘હા, ચારેક વર્ષ થયાં.’

'મિત્રા અને એની મા તો હવે જુદાં રહે છે.'

‘એમ ? ક્યાં આગળ ?’

‘માથું નહિ ફોડાવો. જરૂર હોય તો શોધી કાઢો.'

ચાર વર્ષમાં દરવાનોની સભ્યતા તો બદલાઈ લાગી નહિ.

પાસેના લત્તામાં જઈ તેણે પૂછ્યું :

‘મેનામા છે કે ?'

‘ડોશી તો મરી ગયાં !' કોઈએ જવાબ આપ્યો.

‘અને પેલી નૂર ?'

‘નૂરની અમને ખબર નથી.’

‘પેલી મુસ્લિમ છોકરી...’

‘અહીં તો કોઈ મુસલમાન રહેતો નથી !’

‘પહેલાં તો એક ઘર હતું.’