આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૭૯
 


‘એટલે ?'

‘એ તો, પેલા ભગવાનદાસને પરણી ગઈ.’

ગૌતમ ખરેખર ચમક્યો. ‘કયો ભગવાનદાસ ? મિત્રાનો પિતા ?’

'હા.'

'પણ એની પત્ની તો જીવે છે.’

‘તેમાં શું ! દીકરો નથી એ બહાનું આગળ થયું.’

‘હું તો ધારતો હતો કે નિશા તારી સાથે...'

‘હું તે વખતે જર્મની બાજુએ ફરતો હતો.'

'દીનાનાથ ક્યાં ?'

‘એ સિનેમામાં રહી ગયો. સ્ટન્ટ હીરો તરીકે આગળ આવી ગયો છે.'

'રહીમ ?'

‘એ તો જબરજસ્ત કોમીવાદી બની ગયો છે. વકીલાતમાં એ વાદ એને બહુ ઉપયોગી થઈ પડ્યો. મુસ્લિમ લીગનો એ એક નેતા છે, લાંબી દાઢી પણ રાખે છે.'

‘ગુજરાતી તો બોલતો જ નહિ હોય !’

‘ના રે, ઈંગ્લિશ અને પાછળથી તૈયાર કરેલું ઉર્દૂ. હવે તો બહુ મળતો પણ નથી.'

'કારણ !’

‘મને હિંદુ મહાસભાવાદી માને છે.'

‘તારે દરવાજે તો પઠાણ છે !’

‘હિંદુઓ મળે છે જ ક્યાં ? ભૈયાઓ તો માત્ર દેખાવના જ મોટા. પહેલી બૂમે ગુજરાતી નાસે અને બીજી બૂમે ભૈયો ! મરાઠો દારૂ પીઈને જ પડી રહેતો હતો, અને ગુરખા હવે યુદ્ધમાં ચાલ્યા જાય છે. આપણા ભીલ, કોળી કે ઠાકરડાને દરવાજો સાચવવો ફાવે જ નહિ. મેં બધાને તાવી જોયા. છેવટે પઠાણ વગર ન જ ચાલ્યું. બાકી મને અંદરખાનેથી એમ તો ખરું જ કે મુસ્લિમો સંગઠિત થાય તો હિંદુઓએ શા માટે સંગઠન ન કરવું ?'

ધીમે ધીમે ચા પીવાની ક્રિયા પૂર્ણ થઈ. શરદે સરસ સિગારેટ કાઢી ગૌતમ પાસે ધરી, અને તેણે ના પાડી એટલે કલામય ઢબે સિગારેટ લેઈ સળગાવી પીતાં પીતાં શરદે કહ્યું :