આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૮૯
 

ગૌતમને ભાન આવ્યું. એ તંત્રી જ કીસન !

‘વધારે શોધખોળની કશી જરૂર નથી. મને નહિ ઓળખતો હોઉ તોય ચાલશે. પણ આજે તારી જરૂર પડી છે.' કૃષ્ણદાસે કહ્યું.

'મેં આપને ઓળખ્યા, અને મને પણ તમારી ખરી જરૂર પડી છે.' ગૌતમે કહ્યું.

‘એમ ? ત્યારે તો આપણને બહુ જ ફાવશે. કહે, શું કામ છે ? હજી મારો જૂનો અને નવો બંને ધંધા ચાલે છે એટલે તું કહીશ તે થશે. પત્રકાર તરીકે હું પ્રતિષ્ઠિત ગૃહસ્થ બની ગયો છું, પરંતુ ભોંયરાની ભૂમિ હજી ભુલાઈ નથી.’

‘મારે પોતાને સુખનો ખપ નથી, પરંતુ મારે મારી બે બહેનોને સુખી કરવી છે.'

‘મારા ભેગો રહે, મને સહાય આપ અને તારે જોઈએ એટલા પૈસા લે.'

'મને ન સમજાયું.’

‘મારા ઉપર બધું છોડી દે. જો પેલી મોટરકાર સંભળાય. એમાં મારું અને તારું ભવિષ્ય છે.'

‘પહેલવાન, આ નામ શું બદલ્યું ? આ છાપખાનું શું ? આ વર્તમાનપત્ર શું ?’

‘એ બધાં સુધરેલી ગુંડાગીરીના પ્રકાર છે. તું ધારે છે એટલો હું અભણ નથી. મેં પણ કૉલેજ જોઈ છે. હડતાલો પડાવી છે, કેદમાં જવાને પાત્ર કાર્યો કર્યા છે, માટે જ મને તારા પ્રત્યે સદ્ભાવ છે. કોઈ દિવસ એ ઇતિહાસ આપણે ઉકેલીશું. તારા કરતાં એક બાબતમાં હું ચઢિયાતો છું. મેં જાતે ગુંડાગીરી - સાચી ગુંડાગીરી કરી છે... પધારો, પધારો !’ કહી કૃષ્ણદાસ ઊભા થયા. ગૌતમ પણ સાથે ઊભો થયો અને એક ભવ્ય દેખાવના પુરુષ તંત્રીના ઓરડામાં આવ્યા. તેમને સારામાં સારી ખુરશી ઉપર બેસાડી કૃષ્ણદાસે કહ્યું :

'હવે આપ નિશ્ચિંત રહો. હું માગું છું તેવો માણસ મને મળી ગયો છે.’

‘ખર્ચની ચિંતા ન રાખશો. પણ પ્રચાર સચોટ થવો જોઈએ.’ ગંભીર દેખાવ કરી નવા આવેલા પુરુષે કહ્યું.

‘એની આપ ચિંતા ન રાખશો. હળવા પ્રચાર માટે મારી પાસે માણસો છે, થોડી ગાળ અને થોડા કટાક્ષમાં સામો પક્ષ ગભરાઈ ઊઠશે. માત્ર ગંભીર દેખાતા પ્રચાર માટે આપણે આ મારા નવા મિત્રને રોકીશું. ગૌતમ !