આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કૉલેજમાં ભયંકર હડતાલ પડી. ચાલીસ વર્ષથી વધુ ઉંમરનાં આગેવાન સ્ત્રીપુરુષોએ માન્યું કે વિદ્યાર્થીઓમાં વધતો હડતાળનો શોખ એ ભયંકર રોગ છે અને તેને નિર્મૂળ કરવો જ જોઈએ. ચાળીસ વર્ષથી નીચેના પ્રજાજનોને લાગ્યું કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને તેમનું આત્મસંમાન પ્રશંસનીય છે, પરંતુ તેનો કોઈ વધારે સારો માર્ગ મળવો જોઈએ. આગેવાન ગણાતાં સ્ત્રીપુરુષોએ વિદ્યાર્થીઓના આગેવાન તથા કૉલેજના પ્રિન્સિપાલ-પ્રોફેસરો સાથે મંત્રણા શરૂ કરી. પ્રિન્સિપાલ ચાલીસ વર્ષની ઉમર વટાવી ગયા હતા એટલે તેમને વિદ્યાર્થીઓની સ્વતંત્ર વર્તણૂક ઉપર કાયમનો અંકુશ દાખલ કરી દેવો હતો. તેમના અંકુશ વગર વિદ્યાર્થીજગતનો ધ્રુવતારો ચલાયમાન થશે નહિ એમ તેમણે ક્યારનુંયે નક્કી કર્યું હતું. પ્રાચીન કાળનો એક મહારથી હજાર સૈનિકોની બરાબરી કરી શકતો. પ્રિન્સિપાલમાં અતિરથીનું સામર્થ્ય હતું. હિંદુસ્તાનના ત્રીસ માણસોનો વાર્ષિક ખોરાક એક જ મહિનામાં પોતાના પગાર રૂપે ઝૂંટવી લેતા આ હિંદવાસી કેળવણીકાર આમ આર્થિક મોખરા ઉપર મક્કમ હતા. મત મેળવવાની કુશળતા કેળવી. સેનેટ ને સિન્ડિકેટમાં દાખલ થઈ પરીક્ષકોની નિમણૂકમાં ઠીક ઠીક હાથ નાખી કૉલેજ-યુનિવર્સિટીના વાતાવરણને દેશી રાજ્યના વહીવટ જેવું યુક્તિશાળી, બ્રિટિશ રાજવહીવટ સરખું ભાગલામય અને ઈશ્વર સરખું એકચક્રી બનાવી રહેલા પ્રિન્સિપાલનો મુત્સદ્દીગીરીનો મોરચો પણ સજજ હતો. હિટલરમુસોલિનીના યુગમાં ધાકધમકી અને સજાની ખુલ્લી તલવાર હાથમાં લઈ ન ફરનાર મનુષ્યને દક્ષ કહી શકાય જ નહિ. પ્રિન્સિપાલ સાહેબની દક્ષતા પૂરેપૂરી વખણાતી હતી. આવાં સાધનથી સજ્જ બનેલા હિંદની કેળવણીના એક સુકાની સામે વિદ્યાર્થીઓએ ઝૂઝવાનું હતું. લાંબી રજાઓ, ઓછા કલાકની મહેનત અને તેમાં લાગી જતા ભારે માનસિક પરિશ્રમને અંગે પ્રોફેસરોને પણ આવી હડતાલ આશીવાર્દરૂપ બની જાય છે. હડતાલમાંથી હાસ્ય અને રમૂજ પણ ઊપજી આવે છે ! ઓછું હસતા પ્રોફેસરોને પણ હસવાની પળ મળવી જોઈએ ને ?

ગૌતમને કૉલેજ રેસિડેન્સીમાં પાછો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી સઘળા વિદ્યાર્થીઓએ હડતાલ ઉપર રહેવાનું હતું !