આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૯૩
 

દે. બીજાને આપીશ તો તેનું ગુજરાન ચાલશે.' સ્પષ્ટ બોધ સંભળાયો - જોકે ઓરડામાં કોઈ જ ન હતું.

‘ગુજરાનનો આટલો બધો ડર ?’ ગૌતમે પોતાના મનને પૂછ્યું.

'બધાંયને બહેનોનાં પોષણ કરવાનાં હોય છે - તારી માફક ?' અદૃશ્ય જવાબ મળ્યો અને સુનંદા તથા અલક તેની દૃષ્ટિ સમક્ષ જાણે ખડાં થયાં હોય એમ ગૌતમને લાગ્યું.

ફાડી નાખવાની તૈયારી કરતા હાથે એ લેખને સાચવીને બાજુએ મૂક્યો.

પરંતુ ગૌતમને ખૂબ રૂંધામણ થઈ આવી. દેશભક્ત - માનવભક્ત - દલિતોનો સિપાહી ગૌતમ શું બદલાઈ જતો હતો ?

નવું મકાન તેને અશાંતિ ઉપજાવતું લાગ્યું ! તેના પરમ સ્નેહ પાત્ર પિતાનું મૃત્યુ આજ તેણે જાણ્યું. બહેનોનાં દુઃખની કથની પણ તેણે આજે જ સાંભળી. તેના મિત્રોનું પતન પણ તે આજે જ જાણી લાવ્યો. તેનું પોતાનું પણ પતન થતું તો નથી ?

ગૌતમ પહેરેલે કપડે બહાર નીકળ્યો. રાત્રિમાં એકનો થયેલો ટકોરો તેણે સ્પષ્ટ સાંભળ્યો. રાતની અવરજવર આ મકાનમાં છેક અજાણી ન હતી. પહેરાવાળાએ ગૌતમને ‘નવા સાહેબ’ તરીકે ઓળખી પૂછપરછ કર્યા વગર જવા દીધો. કૃષ્ણદાસ કનિષ્ટના બંગલામાં રાત્રિના પણ કાંઈ કાંઈ વ્યવહાર ચાલુ હતા અને વખતોવખત કૃષ્ણદાસ રાતમાં કીસન પહેલવાન પણ બની જતા હતા.

ગૌતમે ચાલ્યા જ કર્યું - યંત્રની માફક તે ઘરમાં રહ્યા હોત તો તેનું મન અસ્થિર બની જાત. બહારની શીળી પવનલહરીએ, શાંતિએ અને આકાશના સદાય ઝળહળતા માનવીની આછી આછી મશ્કરી કરતા તારાઓએ તેને સ્થિરતા અર્પી.

અપવાદરૂપ પ્રસંગમાં એણે અપવાદ માર્ગ લીધો હતો. એ માર્ગ પણ ઝટ છોડવા માટે લીધો હતો. Means અને Ends - સાધન અને સિદ્ધિ એકરંગી ન પણ હોય ! જીવવા, પગભર થવા, બળ મેળવવા તે કલમને બદલી નાખે એમાં ખોટું શું ? જાસૂસો, પ્રચારકો, ક્રાંતિકારીઓને કેટલા વેશ ભજવવાના હોય છે ? ગૌતમ સરખા ક્રાન્તિકારીએ ક્રાન્તિ સફળ બનાવવી હોય તો સામા ટોળામાં જઈ સ્નેહ બતાવવો પણ પડે !

અને હજી આડી રાત પડી હતી ! બુદ્ધિને આ માર્ગ અનુકૂળ નહિ લાગે તો તે લેખ ફાડી નાખી કૃષ્ણદાસને છેલ્લી સલામ કરી તે છૂટો થઈ શકે