આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬: છાયાનટ
 

વિદ્યાર્થીઓ જાણે હડતાલમાં જોડાયા જ ન હોય એમ છૂપી રીતે બેસવા માંડ્યા હતા.

વિજયના ડંકા વાગતા પ્રિન્સિપાલ સાહેબે સાંભળ્યા. પ્રિન્સિપાલનો પ્રેમ મેળવવા તત્પર થયેલા કેટલાક જાસૂસ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો તેમને વારંવાર ખબર આપી જતા હતા. સમાધાન ઉપર ઊતરવા માટે વિદ્યાર્થીઓમાં પત્રિકાઓ પણ વહેંચાતી અને પરિણામ અંતે પ્રિન્સિપાલ સાહેબના વિજયમાં આવ્યું. હિંદનું યૌવન નાક ઘસતું કૉલેજમાં દાખલ થયું, અને દિલ્હી જીતનાર નાદીરશાહ સરખો આનંદ પ્રિન્સિપાલ સાહેબે અનુભવ્યો. અલબત્ત, મયૂરાસન અને કોહિનૂર તેમને મળ્યાં નહિ; છતાં ‘સર’ના ઇલકાબની આશા અને બાહોશી બદલ નોકરીની મુદતમાં વધારો તેમને અશક્ય લાગ્યાં નહિ.

એક પ્રોફેસરે આ સર્વાંગી વિજયમાં રહેલી ખામી તરફ સૂચન પણ કર્યું.

‘બધાએ સહીઓ કરી, પરંતુ ગૌતમ અને એના છ મિત્રો સહી કરવાની ના પાડે છે.'

‘એ સાતે જણને આપણે કૉલેજ બહાર કરી શકીશું.' પ્રિન્સિપાલે કહ્યું.

‘વાત ખરી, પરંતુ રહીમ અને અરવિંદ વગર આપણી ક્રિકેટ ટીમ કંઈ પણ સારો દેખાવ કરી શકશે નહિ.’

‘બે દિવસ પછી એ લોકો આપોઆપ આપણા તરફ ખેંચાઈ આવશે. એટલામાં આપણે પણ તેમને ખેંચવાની યુક્તિ કરીશું.’

‘વળી દીનાનાથ ગુંડો છે. સહી કરનાર ચાર આગેવાનોને તેણે લોહીલુહાણ કર્યા છે, અને કંઈકના નાક કાપવાની તે ધમકી આપે છે.’

પ્રિન્સિપાલ સાહેબે સહજ પોતાના મુખ ઉપર હાથ ફેરવ્યો અને પોતાનું નાક છે એટલું જ નહિ, પરંતુ વિદ્યાર્થીઓ સામેની લડતમાં તે મોટું થઈ શક્યું છે એની સફાઈબંધ ખાતરી કરી લીધી. જોકે દીનાનાથે તો માત્ર એટલું જ સૂચવ્યું હતું કે વીસમી સદીના કોઈ પણ હિંદીનું નાક અખંડિત હોઈ શકે જ નહિ.

‘એને પોલીસમાં સ્વાધીન કરી દો.’

‘એમાં પાછી નવી મુશ્કેલી ઊભી થશે. વળી શરદના પિતા દર વર્ષે