આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪: છાયાનટ
 


‘એની કાંઈ ના પડાય ? પગાર ભારે મળે. બંગલાઓમાં રહે, ઊંચા વર્ગમાં મુસાફરી કરે, હજારો વિદ્યાર્થીઓ ઉપર સત્તા ચલાવે ! એમને મોટા ન કહીએ તો બીજા કોને મોટા કહેવાય ?’ પિતાએ કહ્યું. મોટાઈની આ સિવાય બીજી કયી વ્યાખ્યા હોઈ શકે ?

‘પણ હું ત્યાં આવું એના કરતાં અહીં જ કશી નોકરી શોધી લઉં.’ ગૌતમે કહ્યું.

‘નોકરી તો છેવટે છે જ ને ! બધા કહે છે કે પ્રિન્સિપાલ સાહેબ ચાર દિવસમાં શાંત પડશે અને તને પાછો કૉલેજમાં દાખલ કરી દેશે.'

‘પણ મારે હવે આગળ ભણવું જ નથી.’

'આટલે આવીને ? છેલ્લું વર્ષ છે. જોતજોતામાં વખત નીકળી જશે, અને તું ગ્રેજ્યુએટ થઈ કમાતો બની જઈશ. એના વગર આપણે ચાલે ?’

‘તમે ક્યાં ગ્રેજ્યુએટ છો ?’

‘માટે તો હું હજી કારકુનીમાંથી ઊંચો નથી આવ્યો. વળી મારો વખત જુદો હતો.'

‘તમને પ્રિન્સિપાલ સાહેબે શું કહ્યું ?'

‘હમણાં તને ઘેર લઈ જવાનું.’

‘અને પછી ?’

‘પછી જોઈ લેવાશે.'

‘અને કલેક્ટર સાહેબની યાદીનો તમે શો જવાબ આપ્યો ?’

‘તારે એનો ઊંચો જીવ કરવાનું કારણ ?'

'હાસ્તો.'

'યાદી તો જોઈ ને તેં?'

‘મામલતદાર સાહેબ ઉપર ગુપ્ત લખાણ પણ હતું.’

'શું ?'

‘કે આવું તારું ધાંધળ ચાલુ રહે તો મારી નોકરી માટે વિચાર કરવો.'

‘એટલે તમને નોકરીમાંથી કમી કરવાની ધમકી, નહિ ?’

‘હાસ્તો; એમને બધો અધિકાર છે.'

‘એમના ઉપર કશી દાદ-ફરિયાદ ન ચાલે ?'

‘કોણ સાંભળે ? આવી બાબતમાં ઉપરીઓ કશું જુએ જ નહિ.’

‘એ ઉપરીઓ હિંદુસ્તાનમાં આવી આપણને ન્યાય આપવાનાં